શાસ્ત્રીય દષ્ટિએ સંસ્કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ ‘સંસ્કાર’ શબ્દનો પ્રયોગ એના વાસ્તવિક અર્થમાં ઉપલબ્ધ થતો નથી. અહીં સંસ્કારોનું નિરૂપણ ગૃહ્યયજ્ઞોના રૂપમાં કરાયું છે. ગૃહ્યસૂત્રોમાં વર્ણિત સંસ્કારોની સંખ્યા ૧ર થી ૧૮ સુધીની છે. આશ્ર્વલાયન, પારસ્કર અને બૌધાયન ગૃહ્યસૂત્રોમાં સંસ્કારોની સંખ્યા અનુક્રમે ૧૧,૧૩ અને ૧૩ની દર્શાવાઇ છે. મોટા ભાગનાં ગૃહ્યસૂત્રો અંત્યેષ્ટીનો ઉલ્લેખ કરતાં નથી. બૌધાયનમાં અંત્યેષ્ટીને બદલે પિતૃમેધ સંસ્કારનો ઉલ્લેખ છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રમાં નિષ્ક્રમણ અને કેશાન્ત સંસ્કારનો ઉલ્લેખ નથી. વારાહ ગૃહ્યસૂત્રમાં ૧૩ અને વૈખાનસમાં ૧૮ સંસ્કારોની યાદી છે.