માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/
આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્યા છે. તેણે કૃષ્ણ જન્મના ગુણગાન ગાયા છે તો મનુષ્યના મૃત્યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્યું છે, અને પ્રતિકરૂપે સ્મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે.
માણસ જન્મથી મૃત્યુ સુધી અનેક સુખદુઃખમાંથી, કપરા સંજોગોમાંથી પસાર થાય છે, પરંતુ એ એટલો દુઃખી નથી થતો જેટલો તેનું કોઈ સ્વજન માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, પતિ કે પત્નિ મૃત્યુ પામે છે, સ્મશાનયાત્રા નશ્વર દેહને અગ્નિદાહ અને સ્મશાનનું તે સમયનું વાતાવરણ, કોઈપણ કઠોર દિલની વ્યક્તિને હચમચાવી મૂકે છે, પરંતુ આપણા વેદો માનવને જણાવે છે કે તુ દુઃખી ન થા, આ તો જીવ અને શિવનું મિલન છે. તફાવત એટલો જ છે કે અગાઉ શિવ મનુષ્ય દેહમાં ચેતનરૂપી આવેલ આજે ખુદ જીવ શિવને મળવા જાય છે, અને સ્મશાન એ શિવનું નિવાસસ્થાન છે. સ્મશાને અગ્નિ સાથે લઈ જવાતી દોણી મનુષ્ય દેહની નિરર્થકતાનું પ્રતિક છે. અગાઉના સમયમાં તો જે અગ્નિ વિવાહકાર્ય સંપન્ન કરવામાં ઉપયોગમાં લેવાતો એજ અગ્નિને ઘરમાં વર્ષો સુધી પ્રજવલિત રાખવામાં આવતો અને માણસનું મૃત્યું થતાં તે જ અગ્નિને માટલીમાં સ્મશાને લઈ જઈ તેનાથી મનુષ્ય દેહને અગ્નિદાહ દેવામાં આવતો કાળક્રમે તેમાં ફેરફાર થયો પરંતુ દોણીમાં અગ્નિ લઈ તે અગ્નિ દ્વારા મનુષ્ય દેહને અગ્નિદાહ આપવાની વિધી આજે પણ અસ્તિત્વ ધરાવે છે.