જન્મકુંડળી પરથી જાતકનો ફળાદેશ આપતી વખતે નાની – મોટી અનેક બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. સામાન્ય રીતે જ્યોતિષી કુંડળીમાં ૧૨ ભાવ, ૧૨ રાશિઓ અને ૯ ગ્રહનાં લક્ષણો કે સ્વભાવને જ મુખ્યત્વે ધ્યાનમાં લે છે. કોઈ પણ ગ્રહ ક્યા ભાવમાં પડ્યો છે, ક્યા ભાવનો અધિપતિ છે, તે ગ્રહ પોતે કેવા સ્વભાવનો છે – આટલી મુખ્ય બાબતોને આધારે કુંડળીનું બળાબળ નક્કી કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ગ્રહ સ્વગૃહી છે, ઉચ્ચનો છે કે નીચનો છે તે વાત પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વાસ્તવમાં આ ઉપરાંત એવી ઘણી બાબતો છે કે જે ફળાદેશ માટે ઉપયોગી સિદ્ધ થાય, જેમ કે ગ્રહ કેટલા અંશનો છે, શત્રુક્ષેત્રી છે કે મિત્રક્ષેત્રી, માર્ગી છે કે વક્રી, અન્ય ક્યા ગ્રહથી ર્દષ્ટ છે, ક્યા ગ્રહની યુતિમાં છે, ગ્રહનું ક્યું તત્વ છે, ગ્રહ જે રાશિમાં છે તે રાશિ ક્યા તત્વની છે વગેરે અનેક બાબતો કુંડળીના બળને નક્કી કરવા માટે તથા ફળાદેશની સચોટતા માટે મહત્વની બની રહે છે.
આ લેખમાં, ઉપર દર્શાવેલી ગૌણ લાગતી બાબતો પૈકી ગ્રહના તત્વ અને રાશિના તત્વ સંબંધી અભ્યાસ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રે નવેય ગ્રહનાં તત્વ નીચે પ્રમાણે નક્કી કરી આપ્યાં છે : સૂર્ય – અગ્નિ/ચંદ્ર – જલ/મંગળ – અગ્નિ/બુધ – ભૂમિ/ગુરુ – આકાશ/શુક્ર – જલ/શનિ – વાયુ/રાહુ – જલવાયુ/કેતુ – તેજ.
એ જ રીતે રાશિનાં તત્વ નીચે પ્રમાણે નક્કી થયાં છે.
મેષ – અગ્નિ/વૃષભ – ભૂમિ/મિથુન – વાયુ/કર્ક – જલ/સિંહ – અગ્નિ/કન્યા – ભૂમિ/તુલા – વાયુ/વૃશ્ચિક – જલ/ધન – અગ્નિ/મકર – ભૂમિ/કુંભ – વાયુ/મીન – જલ
કુંડળીનું બળ નક્કી કરતી વખતે ક્યા તત્વનો ગ્રહ ક્યા તત્વની રાશિમાં પડ્યા છે તે પ્રથમ જોવું જોઈએ, જેમ કે અગ્નિ તત્વનો સૂર્ય જલતત્વની કર્ક – વૃશ્ચિક કે મીન રાશિમાં પડ્યો હોય તો સૂર્યનું બળ ઘટી જશે કારણ કે જલમાં અગ્નિ ઠરી જાય, એથી ઊલટું અગ્નિ તત્વનો સૂર્ય અથવા મંગળ જો વાયુ તત્વની મિથુન કે ધન રાશિમાં પડ્યો હશે તો તે ગ્રહ સ્વસ્થાનને વધુ પ્રવૃત કરશે, કારણ કે વાયુથી અગ્નિ પ્રજ્વલિત બને છે. એ જ રીતે જે તત્વનો ગ્રહ હોય તે પોતાના જ તત્વની રાશિમાં પડ્યો હોય તો તે વધુ ર્દઢ અને બળવાન બનશે, જેમકે જલ તત્વનો ચંદ્ર જલ તત્વની કર્ક રાશિમાં હશે તો તે ચંદ્ર વધુ શીતળ અને શાતાદાયક બનશે.
આ સિદ્ધાંતોની ભૂમિકા સાથે કેટલીક કુંડળીઓ તપાસીએ :
ગ્રહ અને રાશિના તત્વ પર આધારિત આચ સિદ્ધાંત પરથી ફળાદેશ કરનાર જ્યોતિષીને એક પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊઠશે કે ક્યારેક એવું બને છે કે કોઈ ગ્રહ અમુક રાશિમાં નીચેનો કે અસ્તનો બનતો હોય અને તત્વની ર્દષ્ટિએ બળવાન બનતો હોય તો તે ગ્રહના બળનું મૂલ્યાંકન કેવી રીતે કરવું ? ઉદાહરણ તરીકે અગ્નિ તત્વનો સૂર્ય વાયુ તત્વની તુલા રાશિમાં તત્વની ર્દષ્ટિએ તો બળ મેળવે છે, પરંતુ સૂર્ય તુલા રાશિમાં નીચનો થાય છે. અહીં સૂક્ષ્મ વિવેકબુદ્ધિ જરૂબી બને છે. ગ્રહનું ઉચ્ચત્વ કે નીચત્વ ગ્રહની મૂળભૂત શક્તિને બળવાન કે નિર્બળ કરે છે જ્યારે તત્વનો સંયોગ તેને તત્કાલીન પ્રવૃત્તિ પરત્વે પ્રેરક બને છે. ઉદાહરણ તરીકે સ્વામી રામતીર્થની કુંડળીમાં મીન લગ્ન છે અને આઠમા સ્થાને તુલાનો સૂર્ય છે. નીચના સૂર્ય તરીકે જોઈએ તોસ્વામી રામતીર્થના જીવનમાં ભૌતિકતા પ્રત્યેની વિમુખતા નીચના સૂર્યનું પરિણામ છે. પોતે ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. ઊંચુ કારકિર્દી હતી તે બધું છોડીને વિરક્ત બન્યા એટલું જ નહીં પરંતુ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે ગંગામાં પ્રાણત્યાગ કર્યો એ પરિણામ આઠમા ભાવના સૂર્યના નીચત્વનું છે, પણ તેમણે જીવન દરમિયાન જે પ્રેરક લખાણો લખ્યાં, પ્રવચનો કર્યાં અને ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખી તે અગ્નિ તત્વના સૂર્યનતે વાયુ તત્વની રાશિ તુલાએ આપેલ બળનું પરિણામ છે.
આવું જ રસપ્રદ ઉદાહરણ મંગળનું છે. મંગળ મેષ અને વૃશ્ચિક એ બંને રાશિઓમાં સ્વગૃ્હી બને છે, તેથી ત્યાં બળવાન થાય છે, પરંતુ મેષનું અગ્નિ તત્વ છે. જેમાં મંગળનું અગ્નિ તત્વ વધુ ર્દઢ બને છે, જ્યારે વૃશ્ચિકનું જલ તત્વ છે, જેમાં મંગળના અગ્નિ તત્વનું શમન થાય છે. અનેક કુંડળીઓનો અભ્યાસ કરીને અભ્યાસુ જ્યોતિષી જાતે જ જોઈ શકશે કે વૃશ્ચિકના મંગળ કરતાં મેષનો મંગળ હંમેશાં વધુ બળવાન બને છે, જાતકને પ્રવૃત્તિ અને બહિર્મુખી પ્રતિભા આપે છે. ઉદાહરણ તરીકે સ્વામી વિવેકાનંદને ધન લગ્ન અને પાંચમેમ મેષનો મંગળ છે જ્યારે શ્રીમદ્દ રાજચંદ્રને સિંહલગ્ન અને ચોથે વૃશ્ચિકનો મંગળ છે. બંને મહાપુરુષો ઉચ્ચ કોટિના પ્રતિભાશીલ જ્ઞાનમાર્ગી ધર્મપુરુષો છે, પરંતુ શ્રીમદ રાજચંદ્રનું જીવન અ ને કાર્ય માત્ર અંતર્મુખી રહ્યું કારણ કે મંગળનું અગ્નિ તત્વ વૃશ્ચિકના જલ તત્વમાં રહેલું છે. જ્યારે સ્વામી વિવેકાનંદે દેશ વિદેશમાં વિચરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મની જ્યોતના પ્રકાશને ચોતરફ ફેલાવ્યો એ પરિણામ અગ્નિ તત્વનાં મંગળને અગ્નિ તત્વની મેષ રાશિથી મળેલ બળને લીધે છે.
આ નાના લેખમાં ગ્રહોના તત્વ અને રાશિઓના તત્વના મિશ્રણથી જે વિશિષ્ટ પરિણામો આવે છે તેનો અભ્યાસ આપ્યો છે. માનવજીનની અને માનવ મનની જેટલી વિવિધતા છે એટલી જ વિવિધતા જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ – રાશિ સ્થાનનાં નાનાં મોટા લક્ષણોમાં પ્રતિબિંબિત થઈ છે એ સત્ય દર્શાવવા માટે ગ્રહ – રાશિના તત્વનો આ અભ્યાસ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે. અલબત્ત, સમગ્ર કુંડળીના પરિપ્રેક્ષમાં જ આ તત્વાભ્યાસ ઉપકારક નીવડશે એ તથ્ય નોંધનીય છે.
ડો. બી. જી. ચંદારાણા