જ્યોતિષ એક વિજ્ઞાન છે. તેમાં ફળાદેશના ક્ષેત્રે નવાં નવા સંશોધનોને અવકાશ રહેવાનો જ. જે વિષયો ‘વિજ્ઞાન‘ તરીકે સર્વ સ્વીકૃત બન્યાં છે, તેમાં પણ જ્યાં માનવ-ધારણાનો પ્રશ્ન હોય છ ત્યાં તો કેટલીક અનિશ્ચિતતા અનિવાર્ય જ બને છે,
જેમ કે ‘મેડિકલ સાયન્સ‘ સર્વ સ્વીકૃત વિજ્ઞાન હોવા છતાં તેમાં પણ જ્યાં રોગનિદાનની બાબત આવે છે ત્યાં એક ડૉકટરનું નિદાન બીજા ડૉકટરના નિદાનથી ભિન્ન જોવા મળે છે, તો ક્યારેક એ જ ડૉકટર એક જ દર્દીના નિદાનમાં સમયે સમયે પોતાનો મત બદલાવતો રહે એવું પણ બને છે. તો, ક્યારેક દર્દનું નિદાન છેવટ સુધી થઈ શકતું નથી. આવી જ રીતે જ્યોતિષશાસ્ત્રના ફળાદેશમાં આવું બને તો તે જ્યોતિષશાસ્ત્રની કોઈ મર્યાદા નથી, પરંતુ ત્યાં વધુ સંશોધન માટેનો માત્ર પડકાર છે.
કોઈ પણ જાતકના જીવનની ઘટનાઓ વિશે ફળાદેશ કરતાં પહેલાં સૌથી મહત્વની બાબત તેનું આયુષ્ય છે. જો પાયો જ ન હોય તો મકાનનો નકશો માત્ર કાગળ ઉપર જ રહી જાય, તેમ જો બાળકનું આયુષ્ય અલ્પ હોય તો અન્ય ફળાદેશ નિરર્થક નીવડે. આથી ફળાદેશ આપતાં પહેલાં સૌથી મહત્વની બાબત જાતકનું આયુષ્ય નક્કી કરવાની છે.
આયુષ્ય નિશ્ચિત કરવાનું કાર્ય કેટલું કઠિન હશે તેનો નિર્દિશ ‘જાતક પારિજાત‘ના નીચેના વિધાનથી સ્પષ્ટ બને છે.
સ્વામી વિવેકાનંદ (જ. તા. ૧૨-૧-૧૮૬૩) માત્ર ૩૯ વર્ષનું આયુષ્ય ભોગવીને આ જગતમાંથી વિદાય થયા હતા. (અવસાન તા. ૪-૭-૧૯૦૨) તેમની કુંડળી નીચે પ્રમાણે છેઃ
લ.- ૯, સૂ.- ૧૦, ચં.- ૬, મં.- ૧, બુ.- ૧૦, ગુ.-૭, શુ.- ૧૦, શ.- ૬, રા.- ૮
હવે અહીં એક યોગ અલ્પાયુનો થાય છે, જેમ કે લગ્નનો અધિપતિ ગુરુ ચર રાશિ તુલામાં છે અને અષ્ટમેશ ચંદ્ર દ્વિસ્વભાવરાશિ કન્યામાં છે. આ અલ્પાયુષી યોગ છે. આ ઉપરાંત આ કુંડળીમાં મધ્યાયુ યોગ પણ છે, જેમ કે શનિ અને ચંદ્ર બંને દ્વિસ્વભાવ કન્યા રાશિમાં છે, જે મધ્યાયુ આપે છે. અલ્પાયુના યોગ કરતાં મધ્યાયુ યોગ પ્રબળ છે. પરિણામે વિવેકાનંદ ૩૯ વર્ષનું આયુષ્ય ભોગવી શક્યા.
આયુષ્યના આ સિદ્ધાંતોને પાયાના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે નજર સમક્ષ રાખીને પછી મહાદશા-અંતર્દશા, ગોચર વગેરેને આધારે આયુષ્યનાં ચોક્કસ વર્ષો કાઢવામાં આવે તો ફળાદેશ સત્યની અડોઅડ આવશે એમાં સંશય નથી.
ડો. બી. જી. ચંદારાણા