શનિ તરીકે વૈદિક જયોતિષ શાસ્ત્રમાં પ્રચલીત આ ગ્રહનું નામ સંસ્કૃત શબ્દ શનિશ્યરા પરથી આવેલું છે. આ શબ્દનો અર્થ છે ધીમી ગતિ કરનારો. શનીમાંથી આપણને શબ્દ મળે છે શૂન, જેનો અર્થ અવગણના કે અમુક બાબત પ્રત્યેની સર્તકતા ગુમાવવી એવો થાય છે. આ સતર્કતા ગુમાવવાનો અર્થ દુન્યવી ચીજો પ્રત્યેની જાગૃતિમાં ઘટાડો એમ પણ કહી શકાય. આમ શનિનો ગ્રહ સંયમ, તપસ્વી વૃતિ, આંતરીક આધ્યાત્મીક ભાવના અને અસ્તીત્વમાં રહેલી ભૌતિકતાઓ પ્રત્યે ઉદાસીનતાનો સુચક છે. શનિનો ગ્રહ હાનિકારક ગણવામાં આવે છે. તે દિર્ધાયુ, કંજુસાઈ, દુઃખ, શોક, વૃધ્ધાવસ્થા અને મૃત્યુનો સૂચક છે. સાથોસાથ આ ગ્રહ શિસ્તતા, પ્રતિબંધ, મર્યાદા, જવાબદારી, વિલંબ મહત્વકાંક્ષા, નેતૃત્વનાં ગુણ હકની ભાવના, અપમાન, નૈતિકતા, પ્રામાણીકતા અને અનુભવથી જન્મેલ ડાહપણ, અસ્વીકાર, લાગણીનો અભાવ, આધાત્મ, સખત મહેનત, વ્યવસ્થાપકતા અને સત્યપ્રિયતા બક્ષે છે.