ભક્ત મંદિરમાં જાય છે. ભગવાનની મૂર્તિને દૂધ, ફૂલહાર ચડાવે છે, અને બે હાથ જોડીને તેની પૂજા યાચના કરી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનીને પોતાની ઈચ્છા મુજબનું વર તેની પાસેથી માગે છે, પરંતુ ટીકાકારો ભગવાનના ભક્તની આવી ચેષ્ટા સામે હશે છે કે પથ્થરની મૂર્તિને ભગવાન માનવી તે તો સૌથી મોટી મૂર્ખતા છે. વળી આવી ટીકા કરનારને વધુ બૌધ્ધિક ગણવામાં આવે છે. પરંતુ ભગવાનની સુંદર મૂર્તિને આપણે પૂજા-પઠ કરીએ, તેને જોઈને આપણા દુઃખ દૂર કરનાર કોઈ ચેતન અસ્તિત્વ ધરાવે છે. તેવી મનમાં અનુભૂતિ થાય, આપણને જીવનના પડકારો સામે લડવાની હિંમત મળે તો તે મૂર્તિમાં ભગવાન છે કે તે માત્ર પથ્થરની છે. એ બાબતનું કોઈ મહત્વ ખરૂં ? આપણે કશું પ્રાપ્ત કરવું હોય તો માધ્યમતો બનાવવું જ પડે, અને જો સાકાર મૂર્તિને માધ્યમ બનાવી નિરાકાર ઈશ્વર પસે જવાતું હોય તો તેમાં ખોટું શું છે ? ટુંકમાં જો ઇશ્વર નિરાકાર હોય તો પણ તેનું ધ્યાન ધરવા માટે આપણી સમક્ષ કશુંક તો સાકાર હોવું જોઈએ ને.