વૈદિક જયોતિષ શાસ્ત્રમાં બુધ તરીકે પ્રચલીત આ ગ્રહ આપણામાં જ્ઞાન અને અદ્દભૂત બુધ્ધીમત્તા જાગૃત કરે છે. બુધ જો શુભ ફળદાયી ગ્રહો સાથે સંયોજાયેલ હોય તો તે લાભકારક છે અને જો તે બુરૂ કરનાર ગ્રહો સાથે જોડાયેલ હોય તો તે હાનિકારક ગ્રહ સિધ્ધ થાય છે. બુધ ને ગ્રહ પતિ કે ગ્રહોના દેવ તરીકે ઓળખવામાં આવે છે. તેનામાં એવી કુશાગ્ર બુધ્ધી જ છે જે સારા- નરસા વચ્ચેનો ભેદ ખુબ જ સાચી રીતે અને સ્પષ્ટતા પૂર્વક પારખી શકે છે. તેની બૃધ્ધી ક્ષમતા ચિરંતન અને તટસ્છ છે અને તેથી તે જેની સાથે જોડાયેલ હોય તેના જેવો થઈને રહે છે. તે વર્તન વ્યવહારમાં કુશળ ગ્રહ છે. બુધ બુધ્ધીમતા, વ્યાપારચાતુર્ય, શિક્ષણ સંવાદ સાધવામાં નિપૂણતા, લેખનકાર્ય,શાણપણ, પંડીત્ય, રમુજવૃતિ અને જયોતિષશાસ્ત્રમાં નિપુણતા સૂચવે છે. પારાશર નામે વેદઋષિએ બુધ વિષે લખ્યું છે કે બુધનો દેખાવ ખુબ જ આકર્ષક છે. તેનું શરીર સૌષ્ઠવ સુંદર છે. તેનામાં એક શબ્દના અનેક અર્થ કરીને બોલવાની ચતુરાઈ છે, તથા તેને રમુજ કરવામાં આનંદ આવે છે.