પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે
“હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે “તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?” એમ કહીને નારદજી ચાલ્યા ગયા.
આ સાંભળીને અત્યંત આત્મગ્લાનિ અને ન્યૂનતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના નિર્ધારથી? વિંધ્યરાજ કઠોર તપ કરવા લાગ્યા. અંતે પ્રસન્ન થઈને આશુતોષ ભગવાન પ્રગટ થયા તથા દેવતા અને મુનિઓને પણ દુર્લભ છે એવા પોતાનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવ્યાં, અને વરદાન આપ્યું કે “હે વિંધ્યરાજ ! અભિમાન રૂપી મળમાંથી શુદ્ધ થઈને હવે તું અમલ (મળરહિત-અમળ) થયો છે, એટલે તારી ઈચ્છા અનુસાર બ્રહ્માજી અને વિષ્ણુજી સાથે હું અહીં હંમેશ વાસ કરીશ, આથી સુમેરુ પર્વત જેટલો જ મહાન અને પવિત્ર ગણવામાં આવશે.”
એમ કહીને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થઈને શિવજી અંતર્ધાન થઈ ગયા.
અમલેશ્વર એટલે ઓમકારેશ્વર
માંધાતા પર્વત તથા તેની આસપાસમાં અસંખ્ય તીર્થ સ્થાનો આવેલા છે. તેથી તેની પ્રદક્ષિણાનું અહીં ઘણું મહાત્મ્ય છે. આ પ્રદક્ષિણા માર્ગ તેમજ આ પર્વતનો ભૌગોલિક નકશો જોતાં આ પુણ્યભૂમિ ૐનાં ચંદ્રસ્થાનમાં અમલેશ્વર જ્યોતિર્લિંગ આવેલુ માલુમ પડેલ છે. આ કારણે અમલેશ્વર જ્યોતિર્લિંગ પુરાણ કાળથી ઓમકારેશ્વરના લોકપ્રિય નામથી લોકજીભે ચડયું છે.
ભૃગુપતનની પ્રથા
માંધાતા પર્વત ઉપર સિધ્ધનાથની ધીમે – ધીમે નીચે ઉતરતી વખતે બિરખલા નામનો વિશાળ ખડક નર્મદા નદી ઉપર ઉભો છે. અહીં એવી દ્રઢ માન્યતા હતી કે જે વ્યક્તિ આ ખડક ઉપરથી ઉડી વહેતી નર્મદામાં કૂદીને પ્રાણત્યાગ કરે, તેનો મોક્ષ થાય છે. દર વર્ષે અસંખ્ય લોકો અહીં પ્રાણત્યાગ કરતા. ઈ.સ. ૧૮૨૪માં રાજા રામમોહન રાયની સલાહથી અંગ્રેજ સરકારે સતી-પ્રથા પર પ્રતિબંધ મુક્યો, તેની સાથે-સાથે ‘ભૃગુપતન‘ની પ્રથાનો પણ અંત લાવવામાં આવ્યો.