દ્વાદશ બાર જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું પવિત્ર જ્યોતિર્લિંગ છે. તેને ધુશ્મેશ્વર, ધૃસૃણેશ્વર કે ધૃષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્ર પ્રદેશમાં દૌલતાબાદથી બાર માઇલ દૂર વેલુર ગામની પાસે આવેલું છે. દક્ષિણ દેશમાં દેવગિરિ પર્વતની નજીક સુધર્મા નામનો એક અત્યંત તેજસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. તેમને કોઈ સંતાન નહોતું જ્યોતિષ જાણવાથી ખબર મળી કે સુદેહાને સંતાનપ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તેને સંતાનની ઘણી ઇરછા હતી. તેના આગ્રહથી સુધર્માનું બીજું લગ્ન તેની નાની બહેન સાથે કરવામાં આવ્યું.
પહેલાં તો તેમને આ વાત ન ગમી પરંતુ પત્નીની જીદની આગળ નમવું પડયું. તે તેની નાની બહેન ધુશ્માને લગ્ન કરાવીને ધેર લઈ આવ્યા. તે ભગવાન શિવની ભકત હતી. દરરોજ એક પાર્થિવ શિવલિંગ બનાવીને હૃદયની સાચી નિષ્ઠાથી તેમનું પૂજન કરતી હતી. ભગવાન શિવની કòપાથી થોડા વખતમાં તેના ગર્ભથી અત્યંત સુંદર અને સ્વસ્થ બાળકનો જન્મ થયો. બાળકના જન્મથી સુદેહા અને ધુશ્મા બંનેને ખૂબ જ આનંદ થયો.
પરંતુ કોણ જાણે થોડા દિવસોમાં સુદેહાના મનમાં એક ખરાબ વિચાર આવવા લાગ્યો. તે વિચારવા લાગી કે, મારું તો આ ઘરમાં કાંઈ સ્થાન છે જ નહીં. બધું જ ધુશ્માનું છે. આ તરફ ધુશ્માનું બાળક પણ મોટું થવા લાગ્યું હતું. ધીમે ધીમે તે યુવાન બની ગયો. તેનાં લગ્ન પણ થઈ ગયાં.
એક દિવસ તેણે ધુશ્માના યુવાન પુત્રને રાતના સૂતી વખતે મારી નાખ્યો અને તેના શબને લઈ જઈને તેણે જયાં ધુશ્મા રોજ પાર્થિવ શિવલિંગને બનાવીને તેની પૂજા કરીને પધરાવતી હતી તે તળાવમાં ફેંકી દીધો.
સવાર પડતાં જ આખા ઘરમાં રોક્કળ થઈ ગઈ. સુધર્મા અને તેની પુત્રવધૂ માથું કૂટીને રડવા લાગ્યા પરંતુ ધુશ્મા દરરોજની જેમ શિવની આરાધનામાં તલ્લીન હતી. પૂજા સમાપ્ત કરીને પાર્થિવને તળાવમાં પધરાવવા ચાલી નીકળી. જ્યારે તે તળાવથી પાછી ફરી તો તેનો વહાલો પુત્ર તળાવમાંથી નીકળીને આવતો જોયો. તે હંમેશની જેમ ધુશ્માના પગમાં પડીને પ્રણામ કરવા લાગ્યો. ત્યાં જ શિવ પણ ત્યાં પ્રગટ થઈને ધુશ્માને વરદાન માગવા કહેવા લાગ્યા. તે સુદેહાના ધૃણી કૃત્યથી ક્રોધિત બની ત્રિશૂલ દ્વારા તેનું ગળું કાપી નાખવા તૈયાર થઈ ગયા હતા.
ધુશ્માએ હાથ જોડીને ભગવાન શિવને કહ્યું, પ્રભુ! તમે મારા ઉપર પ્રસન્ન હો તો મારી અભાગણી બહેનને ક્ષમા કરી દો. ખરેખર તેણે ખોટું કામ કર્યું છે પરંતુ તમારી કૃપાથી મને મારો પુત્ર પાછો મળી ગયો છે. હવે તમે તેને ક્ષમા કરો. પ્રભુ! મારી એક બીજી પ્રાર્થના છે લોકોના કલ્યાણ માટે આપ આ જગ્યા ઉપર હંમેશને માટે નિવાસ કરો. ભગવાન શિવે તેની વાતનો સ્વીકાર કર્યો.