જયારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોના અત્યાચારથી લોકો ‘ત્રાહિમામ્‘ પોકારે છે, ત્યારે ત્યારે લોકોનાં કલ્યાણ માટે ભગવાન વિષ્ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે વિષ્ણુજીએ શ્રી રામચંદ્રજીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો. આ વખતે સકળ સંસારમાં મહા તપસ્વી લંકાપતિ રાવણ ગર્વથી વિચરતો હતો. સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ ઊપાડવામાં રાવણને બદલે ભગવાન રામચંદ્રજી સફળ બનેલા, તેથી તેનો બદલો લેવાના ઈરાદે વનવાસ દરમ્યાન રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયેલ. સીતાની શોધ કરતાં કરતાં રામચંદ્રજી કિષ્કિન્ધા નગરમાં ગયા હતા. ત્યાં સુગ્રીવના હિતકારી થઈને વાલીનો વધ કર્યો, અને અહીં રહીને લક્ષ્મણ અને સુગ્રીવ સાથે વિચારણા કરીને સીતાની શોધ કરવા હનુમાન વગેરે વાનરોને ચારે દિશામાં મોકલ્યા.