જગન્નાથપુરી
જગન્નાથપુરી હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને પુરી ધામ કળિયુગનુ છે.જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.
આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. આ મંદિરમાં લગભગ બે હજાર પૂજારીઓ છે તથા બીજા ૨૦ હજાર અન્ય લોકો મંદિરની અન્ય સેવામાંથી આજીવીકા મેળવે છે. અહીં મુખ્ય ઉત્સવ રથયાત્રાનો છે. શ્રીજગન્નાથ મંદિરના પરિસરમાં જ વિશ્વનાથ લિંગ, અજાનનાથ ગણેશ, સત્યનારાયણ, સિધ્ધ ગણેશ, બ્રહ્માસન, લક્ષ્મી મંદિર, સૂર્યમંદિર વગેરે અનેક મંદિરો છે.
શ્રીજગન્નાથજીના મહાપ્રસાદનો મહિમા જગવિખ્યાત છે. આ મહાપ્રસાદમાં છૂતાછૂતનો દોષ માનવામાં આવવો નથી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ પુરી પધાર્યા ત્યારે એકાદશીના દિવસે જ કોઇએ તેમની પરીક્ષા માટે તેમને દર્શન કરતી વખતે જ મહાપ્રસાદ આપ્યો. મહાપ્રભુજીએ પ્રસાદ હાથમાં લઇને તેમનું સ્તવન ચાલું કર્યું. એકાદશીનો આખો દિવસ અને રાત્રી સ્તવન કર્યા કર્યું. બીજા દિવસે દ્વાદશીને દિવસ સ્તવનની સમાપ્તિ કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રકારે તેમણે પ્રસાદ અને એકાદશી એમ બંન્નેનો આદર કર્યો. સ્વર્ગદ્વાર :- મંદિરની નજીક જ સમુદ્રતટ છે જેને સ્વર્ગદ્વાર કે મહોદધિ કહે છે. અહીં ચક્રતીર્થ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અહીં કે મંદિરમાં જ આવેલ રોહીણીકુંડમાં સ્નાન કરવામં આવે છે. રોહીણીકુંડમાં સુદર્શનચક્રનો પડછાયો પડે છે. ગોંડીયા ( ગુડીચા ) મંદિર:- જનકપુરીમાં આ મંદિર આવેલ છે. અહીં કોઇ મૂર્તિ નથી ફક્ત સભાભવનમાં લક્ષ્મીજીની મૂર્તિ છે. રથયાત્રા વખતે ત્રણે રથ અહીં સાત દિવસ રાખવામાં આવે છે. પછી રથ મુખ્ય મંદિર પાછા લઇ જવામાં આવે છે. મુખ્ય મંદિરથી આ મંદિર ૨ કી. મી. દુર છે. ઇન્દ્રધુમ્ન સરોવર: જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં નીલકંઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં નિલકંઠવર્ની રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પ્ણ નિલકઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગીજીવનની કથા સંભળાવેલ છે. નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે. શંકરાચાર્ય મઠ:- પુરીમાં લગભગ ૭૦ જેટલાં મઠો છે જેમાં તીર્થયાત્રીઓને રહેવાની પણ સગવડ છે. તેમાં શંકરાચાર્ય મઠ ( ગોવર્ધન પીઠ) અને ગંભીરા મઠ (રાધાકાંત મઠ) મુખ્ય છે.
ગંભીરા મઠ :- અહીંયા શ્રી ચૈતન્ય મહાપ્રભુજી ૧૮ વર્ષ રહ્યા હતા. તેમની પાદુકાઓ, કમંડલુ વગેરે અહીં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મઠને શ્રી રાધાકૃષ્ણમઠ પણ કહેવામાં આવે છે. અહીં શ્રીરાધા-કૃષ્ણ્ની મનોહર મૂર્તિઓ છે. અંદર ગંભીરા મંદિર છે.
આ ઉપરાંત દરિયા હનુમાન, લોકનાથ મંદિર, સિધ્ધબકુલ (વૃક્ષ) વગેરે દર્શનીય સ્થળો છે. ભૂવનેશ્વરથી પુરી ૫૨ કી. મી. દૂર છે. નિલકંઠવર્ણી અહીં દસ માસ રોકાયા હતા. અને અનેક લીલાઓ કરી હતી.
ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે.પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.