નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય।
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય॥૧॥
ભાષાંતર – જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય।
મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય॥૨॥
ભાષાંતર – ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ‐સૂર્યાય દક્ષાધ્વરનાશકાય।
શ્રીનીલકણ્ઠાય વૃષધ્વજાય તસ્મૈ ‘શિ’ કારાય નમઃ શિવાય॥૩॥
ભાષાંતર– જે કલ્યાણ સ્વરૂપ છે, પાર્વતીજીના મુખકમળને વિકસિત (પ્રસન્ન) કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે, જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે, જેમની ધ્વજામાં ઋષભનું (આખાલાનું) ચિન્હ છે, એવાં શોભાશાળી નીલકંઠ “શિ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
વસિષ્ઠકુમ્ભોદ્ભવગૌતમાર્ય‐મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય
ચન્દ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ ‘વ’ કારાય નમઃ શિવાય॥૪॥
ભાષાંતર – વસિષ્ઠ, અગસ્ત્ય અને ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર આદિ દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી, ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ જેમના નેત્ર છે, એવાં “વ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય
દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ ‘ય’ કારાય નમઃ શિવાય॥૫॥
ભાષાંતર – જેમણે યક્ષ રૂપ ધારણ કર્યું છે, જે જટાધારી છે, જેમના હાથમાં પિનાક (ધનુષ) છે, જે દિવ્ય સનાતન પુરુષ છે, એવાં દિગંબર દેવ “ય” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
પઞ્ચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે॥
ભાષાંતર – જે શિવજીની સમીપ આ પવિત્ર પંચાક્ષરનો પાઠ કરે છે, તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે.
|| ઇતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં શિવપઞ્ચાક્ષરસ્ત્રોતં સમ્પૂર્ણમ્ ||