શુભત્વનો કારક નેપચ્યુન
નેપચ્યુન, હર્ષલ અને પ્લુટો એ ત્રણ ગ્રહો ખગોળ શાસ્ત્રીઓએ છેલ્લી ત્રણેક સદી દરમ્યાન શોધી કાઢ્યા છે. આકાશમાં તો તે ગ્રહો હતા જ પરંતુ તેમની ગતિવિધિ વિશે પ્રાચીન સમયમાં જ્ઞાન ન હતું તેથી સ્વાભાવિક રીતે જ તે ગ્રહોની શુભાશુભ અસરો વિશે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ચર્ચા નથી. આથી આ ગ્રહોની માનવજીવન ઉપર શી અસર થાય છે તે હજુ અભ્યાસનો જ વિષય છે. અહીં સિદ્ધાંતો અને અનુભવને આધારે નેપચ્યુન વિશે એક સંશોધાત્મક અભ્યાસ રજૂ કર્યો છે.
નેપ્ચ્યુનની શોધ ઈ.સ. ૧૮૪૬ના સપ્ટેમ્બર મહિનાની ૨૩મી તારીખે અચાનક જ થઈ. મૂળ તો ઈ.સ. ૧૭૮૧માં યુરેનસ (હર્ષલનો) આવિષ્કાર વિલિયમ હર્ષલ (Willam Hearschel ) દ્વારા થઈ ચૂક્યો હતો. ખગોળવિદો યુરેનસની આકાશી સ્થિતિ અને પોતાનાં ગાણિતિક મંત્વયોનો મેળ બેસાડવામાં કાર્યરત હતા. તે પ્રક્રિયાના એક ભાગરૂપે નેપ્ચ્યુનની શોધ થઈ. નેપ્ચ્યુનની ખબર ગાલે (Galle) નામના ખગોળવિદે દુનિયાને આપી. નેપ્ચ્યુનની શોધ ખગોળવિજ્ઞાન માટે ઉપકારક બની, કારણ કે ખગોળવિદો એક એવા ગ્રહની શોધમાં હતા કે જે યુરેનસ વિશેની તેમની ગણતરીઓનો મેળ બેસાડી શકે. આ પ્રક્રિયામાં નેપ્ચ્યુન તો શોધાયો, પણ તેથી ખગોળવિદોની ગણતરીઓનો મેળ બેઠો નહીં, પરિણામે શોધ ચાલુ રહી અને છેવટે ૧૯૩૦ના માર્ચની ૧૩મી તારીખે પ્લુટોનો આવિષ્કાર થયો. આમ નેપ્ચ્યુનનો આવિષ્કાર એ તો એક અણધારી છતાં આવકાર્ય ઘટના હતી – કેમ જાણે સત્યની શોધમાં નીકળેલા કોઈ આધ્યાત્મિક સાધકને સદ્દગુરુ મળી જાય !
શુભ અને બળવાન નેપ્ચ્યુન વિશેષ કરીને આધ્યાત્મિકતાનો કારક છે. નીતિમત્તા, કલા
પ્રત્યેની અભિરુચિ, સિદ્ધાંતમય જીવન, બીજાને ઉપયોગી થવાની ભાવના, અંતરનિરીક્ષણ, ઘટનાઓનું સ્પષ્ટ દર્શન, ચૈતન્યનો આવિષ્કાર વગેરે બાબતો શુભ અને બળવાન નેપ્ચ્યુનને કારણે જાતકમાં જોવા મળે છે.
રાશિઓનું સ્વામીત્વ, મૈત્રીકોષ્ટક અને ગ્રહના પોતાના સ્વભાવના મુદ્દાઓને લક્ષ્યમાં લેતાં નેપ્ચ્યુનમાં આપણને બીજા ગુરુની પ્રાપ્તિ થઈ છે. નેપ્ચ્યુન એક રાશિમાં તેર વર્ષ ઉપરનો સમય રહે છે, એટલે કે નેપ્ચ્યુન જ્યાં એક રાશિ ભોગવી લે ત્યાં તો ગુરુએ રાશિચક્ર પૂરું કરી લીધું હોય એ પણ એક સાંયોગિક યોગાનુયોગ છે.
ફળાદેશની કેટલીક પરંપરાગત અપૂર્તતાઓની પૂર્તિ નેપ્ચ્યુન કરી આપે છે. ખાસ કરીને જે કુંડળીઓમાં ગુરુ નિર્બળ અથવા મધ્યમ હોય, છતાં તે કુંડળી ધરાવતા જાતકમાં ગુરુના લક્ષણોની પ્રબળતા જોવા મળે ત્યારે અચૂકપણે તે કુંડળીમાં નેપ્ચ્યુન બળવાન બન્યો હોય છે. આ સિદ્ધાંતના અનુમોદનમાં અનેક કુંડળીઓ આપી શકાય તેમ છે. અહીં માત્ર એક ઉદાહરણ જોઈએ. અર્વાચીન યુગના પ્રખર દાર્શનિક વિમલા ઠાકર (વિમલા તાઈ)ની જન્મકુંડળી નીચે મુજબ છે.
(કર્ક લગ્ન, લગ્નમાં કર્કના ચંદ્ર-નેપ્ચ્યુન, બીજા ભાવમાં સિંહનો રાહુ, ચોથા ભાવમાં તુલાનો શનિ, પાંચમા ભાવમાં વૃશ્ચિકનો ગુરુ, સાતમા ભાવમાં મકરનો મંગળ, આઠમા ભાવમાં કુંભનો કેતુ-હર્ષલ, દસમા ભાવમાં મેષના સૂર્ય, બુધ, અગિયારમાં ભાવમાં વૃષભનો શુક્ર તથા બારમા ભાવમાં મિથુનનો પ્લુટો.
આ કુંડળીમાં ગુરુનું બળ મધ્યમ છે. વળી, ગુરુ એકદમ ઊતરતા અંશ (૨૭ અંશ ઉપર)નો છે, છતાં વિમલા ઠાકરના વ્યક્તિત્વમાં જે પ્રતિભા છે, સિદ્ધાંતનિષ્ઠા છે, ચૈતન્ય તરફની અભિમુખતા છે તે બધું જ કર્ક લગ્નમાં રહેલા તથા સ્વગૃહી ચંદ્ર સાથે યુતિ કરતા નેપ્ચ્યુનને કારણે છે. પ્રથમ (લગ્ન) ભાવ તથા કર્ક રાશિ એ બન્ને સ્થિતિ નેપ્ચ્યુનને શુભત્વ આપે છે. વળી, ચંદ્ર નેપ્ચ્યુનનો મિત્ર ગ્રહ છે. વર્ષો સુધી સંત વિનોબા સાથે વિમલાતાઈ ભૂદાનપ્રવૃત્તિમાં સક્રિય રહ્યાં, પરંતુ જે. કૃષ્ણમૂર્તિના સંસર્ગમાં આવતાં તેમનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો. અંતરના અવાજને વફાદાર રહીને તેમણે દઢતાપૂર્વક આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. આની પાછળ બળવાન બનેલો લગ્નસ્થ નેપ્ચ્યુન ઘણે અંશે કારણભૂત છે. જે કુંડળીમાં ગુરુ અને નેપ્ચ્યુન બન્ને બળવાન બને છે તે કુંડળીવાળા જાતકો પૂર્ણતાના પંથના અમોઘ પ્રવાસી હોય છે.
ફળાદેશમાં નેપ્ચ્યુનને ઝીણવટથી ધ્યાનમાં લેવામાં આવે તો તે માનવજીવનના ઘણાં રહસ્યોનો ઘટસ્ફોટ કરી શકે તેમ છે.
ડો. બી. જી. ચંદારાણા