શનિની પનોતી ઘણા લોકોને કષ્ટપ્રદ સાબિત થાય છે. તો ઘણાને લાભપ્રદ સિદ્ધ થાય છે. આપણે ઘણા લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે – ‘અરે ભાઈ, શનિની પનોતીમાં તો ભૂક્કા બોલી ગયા,‘ ‘શનિની સાડા સાતીમાં તો હું ખલાસ થઈ ગયો,‘ ‘મારે તો બરાબરની પનોતી બેઠી છે.‘
તો આથી વિરુદ્ધ એમ કહેનારા પણ મળે છે કે – ‘આપણે તો જીવનમાં જે જે લાભ થયા તે શનિની પનોતીમાં જ થયા.‘ ‘આપણને તો કાયમ પનોતી ફળી છે,‘ ‘આપણને તો પનોતી ન્યાલ કરી ગઈ.‘
આ બંને પ્રકારના પ્રતિભાવોમાં તથ્ય છે.
શનિની પનોતી કોને કષ્ટ આપે અને કોને સારું ફળ આપે તેનો મૂળભૂત સિદ્ધાંત તો શનિની પનોતી ક્યા પાયે બેઠી છે તેમાં જ આપણા ઋષિઓએ દર્શાવી આપ્યો છે, પરંતુ તે સિદ્ધાંત માત્ર ચંદ્રના તે સમયના રાશિ પ્રવેશ ઉપર જ આધારિત હોવાથી સર્વસામાન્ય બની રહે છે. આ ઉપરાંત પણ બીજાં કેટલાંક પરિબળો છે જેના આધારે શનિની પનોતીના લાભહાનિનો સચોટ વિચાર થઈ શકે.
શનિની પનોતીના લાભ – હાનિના ફળાદેશ માટે નીચેના મુદ્દાઓ વિચારણીય છે.
(૧) શનિની પનોતી કયા પાયે બેઠી છે તે વાત મહત્વની છે. પનોતી બેસે ત્યારે ગોચરમાં ચંદ્ર જન્મરાશિથી પહેલે, છઠ્ઠે, અગિયારમે હોય તો પનોતી સોનાને પાયે ગણાય, જે કષ્ટપ્રદ બને, ગોચરનો ચંદ્ર બીજે, પાંચમે, નવમે હોય તો પનોતી રૂપાને પાયે બેઠી ગણાય જે શુભફળ આપે, ગોચરનો ચંદ્ર ત્રીજે, સાતમે, દસમે હોય તો પનોતી તાંબાને પાયે બેઠી ગણાય જે શ્રેષ્ઠ ફળ આપે, ગોચરનો ચંદ્ર ચોથે, આઠમે, બારમે હોય તો પનોતી લોઢાને પાયે બેઠી ગણાય. જે કષ્ટ તો આપે, છતાં અંતે સારું ફળ પણ આપે.
(૫) શનિની પનોતી દરમિયાન શનિ જે સ્થાનમાંથી પસાર થતો હોય તે સ્થાનમાં જો જન્મનો શનિ પડ્યો તો શનિની પનોતી છાતીએ હોય તે સમય એટલે કે જન્મના ચંદ્ર ઉપરથી શનિના ગોચરના ભ્રમણનો અઢી વર્ષનો સમય સારું કે નબળું ફળ આપવાની બાબતમાં વધુ તીવ્ર માત્રાવાળો હોય છે.
(૬) શનિની અઢી વર્ષની નાની પનોતી કરતાં સાડા સાતી મોટી પનોતીનું સારું કે નરસું ફળ વધુ તીવ્ર માત્રાવાળું હોય તે સમય એટલે કે જન્મના ચંદ્ર ઉપરથી શનિના ગોચરના ભ્રમણનો અઢી વર્ષનો સમય સારું કે નબળું ફળ આપવાની બાબતમાં વધુ મહત્વનો છે. તે સમય દરમિયાન મળનાર ફળ વધુ તીવ્ર માત્રાવાળું હોય છે.
(૭) જીવનમાં એક જ જાતકને શનિની પનોતી એકથી વધુ વખત આવે છે. દરેક વખતે શનિની પનોતીનું સારું કે નબળું ફળ એકસરખી તીવ્રતાવાળું નથી હોતું. એક વખત જે સારું ફળ મળ્યું તેવું અને તેટલું જ સારું ફળ બીજી વખત પણ નથી મળતું એવું જ નબળા ફળ બાબત પણ સમજવું આનું કારણ એ છે કે દરેક શનિની પનોતી વખતે અન્ય ગ્રહોનું ગોચર, દશામહા-દશા વગેરે અલગ અલગ હોય છે. તેથી શનિની પનોતીના ફળનો વિચાર કરતી વખતે અન્ય ગ્રહોના ગોચર તથા દશા અંતર્દશાનો પણ વિચાર કરવો જોઈએ.
શનિની પનોતી બાબતમાં એક સૌથી મહત્વની વાત એ છે કે શનિની પનોતી જાતકને ભૌતિક લાભ આપે કે નુકસાન કરે પણ દરેકને આધ્યાત્મિક ર્દષ્ટિએ તો લાભપ્રદ જ બની રહે છે. શનિ આધ્યાત્મિકતાનો કારક ગ્રહ છે. તેથી શનિની પનોતી દરમિયાન મનુષ્ય જો કોઈ અનુષ્ઠાન કરે, વિરકિત કેળવે, ધર્મ કાર્ય કરે તો તેમાં તેને વધુ સુગમતા તથા અનુકૂળતા મળે છે તથા તે કાર્યો વધુ લાભપ્રદ બને છે. જે રીતે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ દરમિયાન કરેલ મંત્રજાપ, અનુષ્ઠાન વગેરે ઉત્તમ ફળદાયી ગણાય છે, તે રીતે શનિની પનોતી દરમિયાન કરવામાં આવેલાં ધાર્મિક – આધ્યાત્મિક કાર્ય ઉત્તમ ફળ આપનાર બને છે. તેથી શનિની પનોતીનો સાચો લાભ લેવા ઇચ્છનારે ભૌતિક લાભ – હાનિની પરવા ન કરતાં શનિની પનોતી દરમિયાન માનવ જન્મને સફળ કરનાર ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો કરવાં જોઈએ અને જન્મને સફળ કરવો જોઈએ. શનિ મહારાજ ઉગ્ર સ્વભાવના, શિસ્તના આગ્રહી સારા ને સાચા શિક્ષક જેવા છે, જે વિદ્યાર્થીને સજા તો કરે છે, પરંતુ ભીતરથી તેનું માત્ર હિત જ ચાહે છે અને સજા પણ તેના આત્યંતિક કલ્યાણ માટે જ કરે છે. તેથી તો શનિને ‘યમાગ્રજ‘ કહ્યા છે, યમ એટલે નિયમ, સંયમ. જે શનિના રહસ્યને સમજે છે તેના જીવનમાં યમ – નિયમ – સંયમ સહજ રીતે જ પ્રગટે છે.