બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે.
ભારતમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રાચીન છે. અર્થાત બંને આયુર્વેદ અને જ્યોતિષ સમકાલીન શાસ્ત્રો છે. બંને માનવકલ્યાણ કરનારાં, એકબીજાનાં પૂરક શાસ્ત્ર છે, એમ કહી શકાય. આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત પર કામ કરીને મનુષ્યના શરીરમાં ઉત્પન્ન થતા તમામ રોગનું નિદાન કરે છે, તેવી જ રીતે જન્મકુંડળી દ્વારા પણ મનુષ્યના શરીરના રોગનું નિદાન કરી શકાય છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપથી દ્વારા માત્ર ફેફસાં, હ્રદય, મગજ, હાડકાંના રોગનું જ નિદાન શક્ય છે. જન્મકુંડળી તો માત્ર રોગ જ નહિ પરંતુ મનુષ્યની પ્રકૃતિનો પણ ખ્યાલ આપે છે જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શક્ય બને છે. રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ પરિસ્થિતિ માત્ર જ્યોતિષશાસ્ત્ર જ આપી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર આવનારા રોગની આગાહી જ કરે છે એમ નથી. પરંતુ ગોચર ગ્રહો દ્વારા આપણે રાષ્ટ્રવ્યાપી દુર્ઘટનાઓ, તોફાન, ભૂકંપ, વ્યાપકપણે ફેલાતા રોગચાળા વગેરેની જાણકારી મેળવી શકીએ છીએ. જેથી તેને પ્રથમથી જ અટકાવી શકાય અથવા તકેદારીનાં પગલાં લઈ શકાય. એવું બની શકી છે કે આજે જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે તે માત્ર થોડા દિવસોમાં લાંબાગાળાની બિમારીનો ભોગ બને. પરંતુ જ્યોતિષશાસ્ત્રના સઘન અભ્યાસ અને સચોટ માર્ગદર્શન દ્વારા લાંબાગાળાની બિમારીનો ભોગ બનનાર વ્યક્તિને પ્રથમથી જ આવનારી કપરી બિમારીનો ખ્યાલ આપી સાવધાન કરી શકાય અને તદનુસાર ગ્રહપીડાની શાંતિ માટેના પ્રયાસો અગમચેતી રૂપે કરાવી શકાય. તેથી જ જો આયુર્વેદના જાણકારને જ્યોતિષશાસ્ત્રનું સચોટ અને સઘન જ્ઞાન હોય તો તે દર્દીને રોગમુક્ત કરવામાં ઘણું જ ઉપકારક સાબિત થાય.
આપણે જ્યોતિષશાસ્ત્રમાં ક્યા ગ્રહો ક્યા રોગમાં કારણભૂત છે અને તેનો શો ઉપાય કરી શકાય તેની જાણકારી મેળવવા થોડા ગ્રહોનો અભ્યાસ કરીએ.
સૂર્ય
બધા ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તે રાજા છે. બધા ગ્રહો તેની પરિક્રમા કરે છે તે પિતા, આત્મા, અધ્યાત્મ, આરોગ્ય, પરાક્રમ, હિંસકકાર્ય, કરોડ, કાળજુ હાડકાં વગેરેનો કારક છે.
સૂર્ય દ્વારા આવતી પીડામાં રાજરોગ, શરીરને લગતી પીડા, પિત્તજ્વર, માથાના રોગ, પેટના રોગ, આંખ સંબંધી પીડા, અસ્થિરોગ, સ્નાયુના રોગ મુખ્ય છે.
સૂર્યનું માણેક પહેરવાથી તેમજ રવિવારનું વ્રત અને સૂર્યના મંત્ર કરવાથી સૂર્યને શાંત કરી શકાય છે ;સૂર્યદેવની કૃપાથી શારીરિક કષ્ટો દૂર થાય છે.
તાંબાના વાસણમાં ભરેલું રાત્રિનું પાણી પીવાથી, આંખમાં છાંટવાથી, સ્નાન કરવાથી ફાયદો થાય છે. સૂર્યોપાસના દ્વારા બધા ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે. સવારે સૂર્યવંદના કરવી જોઈએ.
ચંદ્ર
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પૃથ્વી, ધન, સફેદવસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રક્તવિકાર, હ્રદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ, મૂત્ર રોગ વગેરે રોગ પણ આપે છે.
ચંદ્રની ઉપાસના માટે સોમવારનું વ્રત અને ચંદ્રના મંત્રના જાપ કરવા જરૂરી છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પણ શુભ ફળ મળે છે. ચાંદીનું દાન પણ આપી શકાય.
મંગળ
મંગળ પૃથ્વી સાથે સામ્ય ધરાવે છે તેથી તેને પૃથ્વીનો પુત્ર કહેવામાં આવે છે. તે ગ્રહોમાં સેનાપતિનું કાર્ય કરે છે. તે તાકાત, સાહસ, ચારિત્ર્ય, અગ્નિ, શત્રુ, વાઢકાપ, દુર્ઘટનાનો કારક ગ્રહ છે.
મંગળની પીડામાં પિત્ત જન્ય રોગ, સ્નાયુના રોગ, નાક, કપાળ, જનનેન્દ્રિયના બાહ્ય ભાગના રોગ, શારીરિક અશક્તિ, અકસ્માત વગેરે મુખ્ય છે.
મંગળની ગ્રહની શાંતિ માટે મંગળવારનું વ્રત અને મંગળનો મંત્ર કરવો જોઈએ. મંગળનું પરવાળું પહેરવું જોઈએ.
બુધ
જ્યોતિષશાસ્ત્રમાં બુધનું સ્થાન અતિ મહત્વનું છે. બુધ સૂર્ય મંડળમાં સૂર્યની નજીક રહેલ ગ્રહ છે. તેને ચંદ્રના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું એક નામ વિષ્ણુ પણ છે. બુધ રજોગુણવાળો, મિશ્રસ્વભાવવાળો નપુંસક ગ્રહ કહેવાય છે. જન્મકુંડળીમાં જે ગ્રહની સાથે હોય તે પ્રમાણે ફળ આપે છે.
બુધ વિદ્યા, વિવેક, મામા, મિત્ર, ગણિત, નૃત્ય ડૉકટરી, વૈદક, શિલ્પ, વ્યાપાર-વ્યવસાય, બેંકિંગ, લક્ષ્મી અને ઐશ્વર્યનો કારક છે. વાણી અને ચામડીના રોગનો વિશેષ કારક ગ્રહ છે.
બુધ પિત્ત પ્રકોપ, ચર્મરોગ, સફેદ ડાઘ, તોતડાપણું, સ્નાયુની નબળાઈ, માથાના રોગ, નપુંસકતા, ચક્કર, બહેરાપણું, અસંવેદનશીલતા, મૂત્રાવરોધ, વ્યાપારમાં હાનિથી થતી માનસિક વિકૃતિ વગેરે રોગ આપનાર ગ્રહ છે. આ રોગમાંથી મુક્તિ મેળવવા બુધનું વ્રત, મંત્ર વિગેરે વિધિ-વિધાન કરવાં જરૂરી બને છે. બુધનું નંગ પાનુ તેની તીવ્રતા અનુસાર ધારણ કરવું પડે છે. જાણકાર અને ઉત્તમ જ્યોતિષી યોગ્ય નિદાન દ્વારા બુધની પીડામાંથી અચૂક મુક્તિ અપાવી શકે છે.
ગુરુ
ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે. શુક્ર પછી બીજા ગ્રહોની સરખામણીએ તેજસ્વી ગ્રહ છે. તેને લગભગ ચૌદ ઉપગ્રહ છે. તેને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે. તે સત્વગુણી અને પુરુષ ગ્રહ છે.
ગુરુ ધર્મ, યજ્ઞ, સુવર્ણ, પુત્ર, મિત્ર, વસ્ત્ર, શિક્ષણ, પંડિતાઈ, વાદ-વિવાદ, વગેરેનો કારક છે.
ગુરુ ગ્રહ કમળો, યકૃતના રોગ, પિત્તાશયના રોગ, તાવ, કફજન્ય રોગ, એનિમિયા, થાક, આળસ, લાંબા ગાળાના રોગ, ચરબીના રોગ, માથાના રોગ વગેરેનો કારક ગ્રહ છે.
ગુરુ મહારાજને પ્રસન્ન કરવાથી ઉપરના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. ગુરુનું વિધાન, મંત્ર, યજ્ઞ કરવાથી તેમજ ગુરુનું નંગ પોખરાજ ધારણ કરવાથી આવનારા રોગમાંથી મુક્ત થઈ શકાય છે. ગુરુ સત્વગુણી હોવાથી તેને પ્રસન્નતા મેળવી રોગમાંથી મુક્ત થઈ શકાય છે. રોગ-દુઃખ વગેરેમાંથી મુક્તિ તો મળે છે, ઉપરાંત તેના દ્વારા શુભફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સમગ્ર જન્મકુંડળીમાં માત્ર ગુરુ બળવાન થઈને કેન્દ્રમાં હોય તો અન્ય ગ્રહોની અશુભતા પણ નાશ પામે છે અને કુંડળીને બળવાન બનાવે છે.
શુક્ર
ગ્રહોમાં ગુરુ જેમ દેવતાઓના આચાર્ય છે તેમ શુક્ર અસુરોના આચાર્ય છે. બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું બીજું નામ ભૃગુ છે. તે સવારે અને સાંજે આકાશમાં દેખાય છે. જન્મકુંડળીમાં જો તે સૂર્યની આગલી રાશિમાં હોય તો સવારનો તેજસ્વી શુક્ર બને. પરંતુ બંને સ્થિતિમાં સૂર્યથી અસ્તનો બનતો નથી.
શુક્ર રજોગુણી, સ્ત્રીગ્રહ છે. બારમા સ્થાનમાં વિશેષ બળવાન બને છે.
શુક્ર પત્ની, પરસ્ત્રી, પ્રેમ, પ્રેમિકા, પુષ્પ, વાહન, વેશ્યા, કામ, ગીત, ગાયન, નૃત્યુ, નાટક, સૌંદર્ય, સંગીત, યૌવન, ઐશ્વર્ય, વિદેશયાત્રા, કુષ્ટરોગ વગેરેનો કારકગ્રહ છે.
શુક્ર દ્વારા આવતી પીડા અને રોગમાં ધન હાનિ, સ્ત્રી સુખમાં બાધા, મધુપ્રમેહ (ડાયાબિટિશ), પ્રમેહ, વીર્ય સંબંધી રોગ, ગુપ્ત રોગ, જનનેન્દ્રિયના રોગ, અસ્થિરોગ, ચર્મરોગ, વાંઝીયાપણું, કીડની અને મૂત્રાશયને લગતા રોગ, અસંવેદનશીલતા, પથરી મુખ્ય છે.
શુક્રની પીડામાંથી મુક્ત થવાના ઉપાયોમાં મુખ્ય ઉપાય શુક્રવારનું વ્રત અને મંત્ર કરવા. શુક્રનું નંગ હીરો ધારણ કરવો. જો કે હીરો પ્રાયોગિક ધોરણે ધારણ કરવો જોઈએ. ક્યારેક હીરો ધારણ કરવાથી અન્ય બાબતોમાં વિપરીત પરિણામ મળતાં જોવા મળે છે. સલામતી ખાતર હીરાને બદલે સ્ફટિક ધારણ કરવો ઈષ્ટ છે.
શનિ
સૂર્ય મંડળમાં સૂર્યથી દૂર, મંદ પ્રકાશવાળો ગ્રહ છે. તેને દશ ઉપગ્રહ છે. શનિની આસપાસ વલય છે. તે તમોગુણી, નપુંસક ગ્રહ છે.