હજારો વર્ષ પૂર્વે, આ જગ્યામાં કર્કટ અને પુરકસી નામનું એક રાક્ષસ યુગલ આ પર્વતીય વિસ્તારમાં રહેતું હતું. તેમને કર્કટી નામની પુત્રી હતી. તેનાં લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે થયેલાં. નજીકના બીજા એક જંગલમાં મહર્ષિ અગસ્ત્યના શિષ્ય સુતીક્ષ્ણ નામના ઋષિને ખાઈ જવા આ રાક્ષસયુગલ ગયેલું.
આથી સુતીક્ષ્ણ અને બીજા મહાત્માઓ ક્રોધાયમાન થયા, અને પોતાના ઉત્તમ તપ દ્વારા રાક્ષસ- યુગલને બાળીને ભસ્મ કરી નાંખ્યું. તેવી જ રીતે ભગવાન રામચંદ્રજીએ વિરાધને પણ મારી નાખ્યો હતો. એટલે કર્કટી આ જંગલમાં પાછી આવીને એકલી રહેવા લાગી હતી.
ત્યાં એક દિવસ લંકાપતિ રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ આવી ચડ્યો, અને કર્કટી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ રહ્યો. પરિણામે ભીમાસુર નામના રાક્ષસ-પુત્રનો જન્મ થયો. ભીમાસુર જ્યારે મોટો થયો અને કર્કટી પાસેથી આ કથની સાંભળી, ત્યારે તેને ખબર પડી કે તેના બંને પિતા – વિરાધ તથા પોતાના ખરા પિતા કુંભકર્ણને ભગવાન રામચંદ્રજીએ મારી નાખેલા. આથી ભીમાસુર અત્યંત ક્રોધાયમાન થઈને ઊકળી ઊઠ્યો. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અનિષ્ઠોનો ત્રાસ વધે છે, ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે રામચંદ્રજીના સ્વરૂપે વિષ્ણુજીએ ભીમાસુરનાં કુટુંબીજનોના વધ કર્યા હતા. તેથી આ અસહ્ય કષ્ટનો બદલો લેવા વિષ્ણુજીનો નાશ કરીને વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ભીમાસુરે નિશ્ચય કર્યો, અને એ માટે સર્વશ્રેષ્ઠ શક્તિ અને બળ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટું તપ આદર્યું. બંને હાથ સૂર્ય તરફ રાખીને સૂર્ય સામે જ જોતાં જોતાં એક પગ ઉપર ઊભો રહેતો.