જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. એટલે તો લોકવાણીમાં કહ્યું છે ને કે ઃ
”બ્રાહ્મણનું ગ્યું જમવામાં
ભવાયાનું ગ્યું રમવામાં
કણબીનું ગ્યું કૂવામાં
ને ભરવાડનું ગ્યું ભૂવામાં
વાતે રીઝે વાણિયો, રાગે રીઝે રજપૂત,
બ્રાહ્મણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત.”
* * *
કહેવાય છે કે બ્રાહ્મણ, ભૂખ્યો વાણિયો, ઘવાયેલો રજપૂત એ ત્રણને છેડવા નહીં. પણ મારે આજે ચોરાસીની કેટલીક રસપ્રદ વાતો કરવી છે. ભગવદ્ગોમંડલ અનુસાર ચોરાસી એટલે ૮૪ ગામનો સમૂહ, અવતારોની ઘટમાળ, જન્મપરંપરા, યમપુરી. ૮૪ નાતના બ્રાહ્મણોનો સમવાય, જાહેર બ્રહ્મભોજન, બ્રહ્મચોરાસી એટલે બ્રાહ્મણોની બધી ૮૪ નાત જ્ઞાાતિઓનું સમગ્ર ભોજન. જૂનાકાળથી જનજીવનમાં બ્રહ્મચોરાસીનું આયોજન ઋષિતુલ્ય જીવન જીવતાં પવિત્ર બ્રાહ્મણોને માન-પાન અને આદર આપવા તથા તે નિમિત્તે પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી કરાતું આવ્યું છે.
વેદના પ્રથમ યુગમાં વિપ્રો-બ્રાહ્મણોની પદવી ઘણી ઉંચી હતી. જાુદા જાુદા વેદોને જાણનારા અને એની વિધિઓ સાથે સંકળાયેલા ઋગ્વેદી, યજુર્વેદી, સામવેદી, ચતુર્વેદી બ્રાહ્મણો હતા. બ્રાહ્મણા ગ્રંથોની રચના પછી એમણે પોતાની સર્વોપરી સત્તા સ્થાપિત કરી. યજ્ઞાયાગ, કર્મકાંડ અને વેદ ભણવાનો અધિકાર એકલા બ્રાહ્મણો જ ભોગવે છે, એમ પ્રો. મૅકડોલન નોંધે છે. આમ યજ્ઞાયાગ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરાવનાર બ્રાહ્મણો પૂજનીય મનાયા. કાળક્રમે બ્રાહ્મણોના ફાંટા વધતા ગયા અને તેમની ૮૪ નાત ઊભી થઈ. એમને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે એવી ભાવના લોકજીવનમાં વ્યાપક બની. ગરીબ ગામ લોકો શક્તિ મુજબ બે પાંચ બ્રાહ્મણો જમાડતા પણ રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને સુખી લોકો બ્રાહ્મણોની ૮૪ જ્ઞાાતિઓને જમાડીને યશકીર્તિ પ્રાપ્ત કરતા અને અઢળક પુણ્ય મેળવતા. ધનિક વણિકો માતાના શ્રાદ્ધમાં ૮૪ જ્ઞાાતિના બ્રાહ્મણોને જમાડતા.
આ બ્રહ્મચોરાશી પ્રસંગે બ્રાહ્મણોની ૮૪ નાત-શાખાઓ જમે છે. એ શાખાઓ કઈ ? તેના પ્રકારો ને પેટા પ્રકારો આ મુજબ મળે છે (૧) નાગર. નાગરોની છ પેટા શાખાઓ છે. ૧. વડનગરા. ૨. વીસનગરા, ૩. સાઠોદરા, ૪. કૃષ્ણોરા, ૫. પ્રશ્નોરા અને ૬. ચિત્રોદા. (૨) ઔદીચ્ય. એ ત્રણ પેટા નાતમાં વહેંચાયેલા છે. ૧. સહસ્ર. ૨. માલવી, ૩. ટોકળિયા (૩) મોઢ. એમની છ પેટા ન્યાત છે. ૧. ત્રિવેદી, ૨. ચતુર્વેદી, ૩. અગ્યારશા ૪. ધીણોજિયા, ૫. જેઠી અને ૬. તાર્જાુજા. (૪) શ્રીમાળી. (૫) શ્રીગોડ. તેની ચાર પેટા ન્યાત છે. ૧. માલવી. ૨. મીરતવાલ ૩. હરયાના અને ૪. પરાવલિયા. (૬) અંડોલિયા (૭) બોરસદિયા (૮) જાંબુ (૯) કપોલિયા (૧૦) રાયઠલિયા (૧૧) કોકલી (૧૨) ખેડવા (૧૩) સોમપુરા (૧૪) વસોરા (૧૫) વદફીચ (૧૬) વલાધરા (૧૭) મેરતિયા (૧૮) ખડાતિયા (૧૯) આભાર્ગવ (૨૦) નારદિક (૨૧) વાલંબિયા (૨૨) ઉદનિય (૨૩) પુષ્કરણા (૨૪) મેવાડા એના ત્રણ ભાગ ઃ ૧. ભટમેવાડા ૨. ચોરાશી અને ૩. તરવાડ (૨૫) નાગોર (૨૬) જાર્વેલા (૨૭) ચાંદલિયા (૨૮) અમિરિયા (૨૯) કપીલ (૩૦) દરાવડ (૩૧) કરનારા (૩૨) સારસ્વત (૩૩) ડસડુ (૩૪) દાયડા (૩૫) પલીવાલ (૩૬) ગોમતીવાળ (૩૭) ઉનેવાળ (૩૮) ખેતવાળ (૩૯) મીરટિયા (૪૦) પરીઅલવાસ (૪૧) રોદાવાલ (૪૨) રાયકવાલ (૪૩) ડીસાવાલ (૪૪) તિલકા (૪૫) મથુરિયા (૪૬) ઈનાવલ (૪૭) તિલોટિયા (૪૮) નરસીપુરા (૪૯) સાચોર (૫૦) શલોદિયા (૫૧) કોગોમિત્ર (૫૨) અષ્ટમંગળ (૫૩) ભાટેલા (૫૪) નંદોનિયા (૫૫) આદિકપુરા (૫૬) તરપાટ (૫૭) દરકમના (૫૮) કતરબરા (૫૯) કનોજિયા (૬૦) ગોપાલ (૬૧) ધીમા (૬૨) પારાસુર (૬૩) કોદરધના (૬૪) વસદાણા (૬૫) એકાસના (૬૬) મોકલવદા (૬૭) પટોધના (૬૮) તસોર (૬૯) પરાધિયા (૭૦) નામદક (૭૧) ભદાના (૭૨) દતપુરા (૭૩) હરસકિયા (૭૪) હરબના (૭૫) મોતાલા (૭૬) સાકાવેડ (૭૭) લાડ (૭૮) સિકમોઈયા (૭૯) ધની (૮૦) અહિસાપુરા (૮૧) ગયાવાલ (૮૨) પટી-ખીસ્તલા (૮૩) કોલવાલ અને (૮૪) રદીવાલ ભગવદ્ગોમંડલકારે નોંધી છે. આ ચોરાશી નામો લોકજીભે પંકાયેલા છે પણ આજે તો આ પેટા જ્ઞાાતિમાં બંડજર, ઉમેઠા, ગુડ, સામપુરા, વસ્વર્ધા, નપુલ, જગ્નિવાલેક, કાલોડિયા, મહેસંતુક, વેરૃમલ, માલુ, હનમેન, પોટીવાલ, પનવાલ, પેરૃમંડપા, મેથમોન, ચૌરાશી, ભટસંકરનેક જેવી અનેક પેટાશાખાઓ ઉમેરાવા પામી છે, પરિણામે આ આંકડો સો ઉપર પહોંચી ગયો છે.
ચોરાશી કરીને બ્રાહ્મણોને જમાડવાની પરંપરા ક્યારે શરૃ થઈ હશે તેના કોઈ ચોક્કસ પ્રમાણો પ્રાપ્ત થતાં નથી પણ આજથી સવાબસો વર્ષ પૂર્વે છપૈયા છોડીને ગુજરાતમાં આવેલા સહજાનંદ સ્વામીએ અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ખાતે ફાગણ સુદ પાંચમના દિવસે ૮૪ જ્ઞાાતિના ભૂદેવોને સ્વહસ્તે જમાડયા હતા, અને એમને દાન આપ્યું હતું. આમ આ રિવાજ સવા બસો કરતાં વધુ વર્ષ પૂર્વેથી ચાલતો આવ્યો છે. ઠેરઠેર ચોરાસીઓ ચાલતી આવી છે. સને ૧૯૭૮માં રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીએ બ્રહ્મચોરાસીનું આયોજન કર્યું હતું. બ્રાહ્મણોને જમાડીને માત્ર ૨૫ પૈસાની દક્ષિણા આપી હતી ત્યારે માત્ર દક્ષિણામાં જ ૩૪ હજાર રૃપિયા વપરાયા હતા. એ પછી અમદાવાદમાં જગન્નાથજીના મંદિર તરફથી તથા પુનિત આશ્રમ તરફથી પણ ચૌર્યાસી થયાનું યાદ છે. સને ૨૦૦૨ના વર્ષમાં જ્યંતિભાઈ કુંડલિયાએ (રાજકોટ) બ્રહ્મચોરાસી કરી હતી. ત્યાર બાદ હવે અમદાવાદમાં થઈ રહી છે.
બ્રહ્મચોરાસીમાં ચોકખા ઘીના ચુરમાના રોતા (ઘીની તરતા) લાડવા જમવાનું મહત્ત્વ જૂનાકાળે ખૂબ જ હતું. પચાસ સાઈઠ વર્ષ પૂર્વે ગામડાનો કોઈ સંપન્ન વાણિયો કે દરબાર બ્રાહ્મણોને જમાડવા માટે ચોર્યાસી કરે ત્યારે મોદકપ્રિય બ્રાહ્મણો ત્રીસ ત્રીસ માઈલ ચાલીને પગપાળા લાડવા જમવા જતા. આમ છેટેથી બ્રાહ્મણો ચોરાસીમાં જમવા જતા ત્યારે એમને ઝાંપેથી દોડાવવા માટે ગામનો વયોવૃદ્ધ બ્રાહ્મણ એક ફાળિયું હાથમાં લઈ આડું ધરે. જમનારા બધા બ્રાહ્મણો દોડ માટે લાઈનમાં ઊભા રહી જાય. પછી વૃદ્ધ બ્રાહ્મણ લાડુ માથે તૂટી પડવા માટે ફાળિયું ફફડાવીને લીલી ઝંડી બતાવે ત્યાં તો આકાશમાંથી તારોડિયું ખરે એમ બધા બ્રાહ્મણો એકીશ્વાસે ચોર્યાસીવાળા ગામમાં પહોંચી જાય. હાહધમણ થઈ ગયેલા ભૂદેવોનો થાક ઉતારવા માટે એક ટબૂડીમાં કાળા મરી અને ઘી આપવામાં આવતું. આ ઘી પચાવવા માટે તમાકુ ચૂનામાં ચોળીને ખાતા. ભરપેટ જમ્યા પછી લાડુ છાનામાના ઘરે લઈ જવાના અખતરાઓ પણ થતા હશે ! કહેવાય છે કે સ્ત્રીઓ સાડલામાં અને પાણી પીવાના લોટામાં લાડુ લઈ જતી. વણિક યજમાન ચોરી કરનાર બ્રાહ્મણોને પકડવા માટે ક્યારેક ચોકિદાર પણ રાખતા. બ્રાહ્મણોની લાડુ ખાવાની અને ચોરવાની વૃત્તિ પર કટાક્ષ પણ થતો. મહાબ્રાહ્મણ કહે છે કે બ્રાહ્મણો વણિકને ત્યાં ચોરી કરે તેમાં દોષ નથી.
બ્રાહ્મણ ભટ્ટ,લાડુ ચટ્ટ
લાડુના બે કાચલા
બ્રાહ્મણના હાથમાં માછલાં
લાડવા ખાવામાં હળવદના બ્રાહ્મણોને કોઈ ન પહોંચે. પંદર વીસ લાડવા તો બહુ સામાન્ય ગણાય. ગોહિલવાડ વિસ્તારમાં વસતા પલેવાળ બ્રાહ્મણનો દીકરો એની માને કહે છે ઃ ‘બા, તેં લાડવામાં બહુ ઓછો ગૉળ નાખ્યો છે. દહ લાડવા ખાઈ ગ્યો તો ય મોં ભાંગતું નથી.’ (અભાવો થતો નથી) ત્યારે માતા ખાઉધરા દીકરાને લાડ કરાવતી કહે છે ઃ ‘દીકરા, હવે ઈમ કર્ય. એક પાણકો લઈને મોઢા પર માર્ય તો મોં ભાંગે.’
સથરાના પલેવાળ બ્રાહ્મણોની નાત જમે ત્યારે લાડવા વાળીને આપવાનો રિવાજ નથી. કોઈ એવું કરે તો ટીકા થાય. એમને ચાલતી શિરામણીનું છુટ્ટું ચુરમું પીરસાય છે. પછી એક ઘડામાં (વાઢીમાં નહીં) ઘી ભરીને આખી પંગતને એકધારે પીરસવું પડે. પંગત પૂરી થાય ત્યાં સુધીમાં ઘીના ઘડાની ધાર તૂટવી જોઈએ નહીં. ભાવનગર જિલ્લાના પંડયા બ્રાહ્મણોના વડવાઓ તો ઘીની તળાવડી ભરેલી લાપશી ખાવાના બંધાણી હતા. કહેવતમાં ેએટલે જ કહેવાયું હશે કે
બ્રાહ્મણ કીધા જમવા અને
ભવાયા કીધા રમવા.
*
કાત્રા વહાલું કુંભ જળ,
સ્ત્રીને વહાલી વાત;
બ્રાહ્મણને ભોજન ભલું
ગદ્ધા વહાલી લાત.
* * *
બ્રાહ્મણને ઘેર વરો ને
કૂતરાનો મરો
* * *
બ્રાહ્મણ ભાઈ જીવતા દેવાળિયા
ને મરતા વહેવારિયા
* * *
હનોર ભટ મનોર ભટ,
લાવે ઘાસનો ભારો;
રોતાં છોકરાંને હાલે ગાય
ઈ ગૉર અમારો.
પ્રિય વસ્તુ (લાડવા) જોઈને તે મેળવવા માટે ઉતાવળા થાય એટલે કહેવાય છે કે, ”બ્રાહ્મણ લાડવા જોઈ અવાયા પડે.” બ્રાહ્મણનો સંબંધ જળ (નહાઈ ધોઈને પવિત્ર રહેવા) સાથે પણ જોડાયેલો છે. એનો એક દૂહો છે.
બ્રાહ્મણ જળથી ઓસરે,
ક્ષત્રિય રણથી જાય;
વૈશ્ય વેપારથી ડરે,
કાયર એ કહેવાય.
આપણે ત્યાં વર્ણ ચાર છે. પણ કવિએ ત્રણ વર્ણના કર્મની વાત અહીં કરી છે. બ્રાહ્મણોએ વહેલા ઊઠી સરોવર જઈ ઠંડા જળમાં સ્નાન કરવું જોઈએ, બૂંગિયો વાગે ત્યારે રાજપૂતે યુદ્ધધીંગાણે દોડી જવું જોઈએ અને વૈશ્ય-વણિકે વ્યાપાર ક્ષેત્રથી (દેવાળાની બીકે) ડરવું જોઈએ નહીં. ત્રણે વર્ણ પોતાનું કર્મ કરવાનું ચૂકે તો કાયર કહેવાય. ગુજરાતમાં બ્રાહ્મણોનું આગમન અને એમના વસવાટનાં સ્થળોની વાત કરી કોઈવાર.
આના લેખક છે GS NEWS