ભક્તની પ્રેમભક્તિ પાસે તો ઈશ્વર પર હારી જાય છે. જગતને જે હિતકર ન હોય એવું વરદાન જો ભક્ત માગી બેસે તો ઈશ્વરે પણ પરાણે વરદાન આપવું તો પડે જ છે, પરંતુ કોઈ યુક્તિથી જગતને જે હિતકર હોય તેવું જ આખરે તો ઈશ્વર કરે છે.
કૈલાસપતિ ભગવાન શંકર મહાદેવ તો ભોળાનાથ છે. તેમને પ્રાપ્ત કરવા કોઈ ભક્ત કઠોર તપ આદરે તો મહાદેવજી તેને વશ પણ થઈ જાય છે અને પોતાની સર્વ શક્તિ ભક્તને પ્રાપ્ત થાય છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિષે આવું જ બન્યું છે. રાક્ષસરાજ રાવણ અનન્ય શિવભક્ત હતો. તે મહા પંડિત હતો અને જ્યોતિર્તિવિદ્યામાં નિપુણ હતો. કુશળ રાજ્યકર્તા તો હતો જ, પરંતુ ગણિતશાસ્ત્રનો તે પ્રણેતા ગણાયો છે અને તાકાતમાં તો તેનો જોટો ન હતો. દસ ક્ષેત્રના પંડિતોની બુદ્ધિ અને કાર્યક્ષમતા તેનામાં હતી. એટલે તો સાહિત્યકારોએ રાવણને દસ મસ્તક – ધારી તરીકે વર્ણવ્યો છે. આટલા બધા ગુણોના સમન્વયનો ગર્વ પણ તેને ઓછો ન હતો. સીતા-સ્વયંવરમાં શિવધનુષ ઊપાડવામાં નિષ્ફળ જવાથી સર્વ-શક્તિમાન બનવાની તેને મહત્વાકાંક્ષા જાગી અને એવી ઈચ્છા થઈ કે કૈલાસપતિ ભગવાન શંકર જો કૈલાસ છોડીને તેના મહેલમાં હંમેશ માટે વાસ કરે તો પોતાની બધી જ મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થાય. આ આશયથી કૈલાસપતિ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે લંકાપતિ રાવણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર તપ કરવા લાગ્યો. ઘણા સમય સુધી દારુણ તપ કર્યા છતાં મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલે વધુ તીવ્ર તપ આદર્યું. છતાં પણ શિવજી તો પ્રસન્ન થયા જ નહીં.
આથી ખૂબ જ ક્રોધાયમાન થઈને લંકાપતિએ જમીનમાં મોટો ખાડો કર્યો, તેમાં અગ્નિનું સ્થાપન કર્યું. મહાયજ્ઞ શરૂ કર્યો, બાજુમાં મોટા પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી, સુગંધી પદાર્થો, ચંદન, જાતજાતના ધૂપ તેમ જ વિવિધ નૈવેદ્યોથી મહાદેવજીનું પૂજન કર્યું, આરતી અને પવિત્ર સ્તોત્રોથી શિવજીને પ્રસન્ન કરવા માટે શ્લોકો ગાયા, નૃત્ય કર્યાં, વાજિંત્રો વગાડ્યાં, તેમ જ મોઢામાં આંગળીઓ નાંખવી વગેરે