જ્યોતિષશાસ્ત્રનો ગણિતવિભાગ એક શુદ્ધ વિજ્ઞાન છે, ગણિત-આધારિત ખગોળશાસ્ત્ર છે, પરંતુ ફળાદેશ એક દર્શન છે, તેથી દરેક દર્શનની જેમ આ દર્શન સમક્ષ પણ કેટલાક પડકારરૂપ પ્રશ્ન છે. (૧) એક જ સમયે અને એક જ સ્થળે જન્મેલાં બે બાળકોનાં ભાવિ અલગ-અલગ શા માટે હોય છે ? (૨) ધરતીકંપ, અકસ્માતો દ્વારા જ્યારે સામૂહિક મૃત્યુ થાય છે ત્યારે તેમાં મરણ પામનાર જાતકોમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, યુવાનો વગેરે હોય છે, જે દરેકની કુંડળી અલગ-અલગ હોય છે, છતાં મૃત્યુ સમાન છે.
(૩) થોડી જ મિનિટોને અંતરે જન્મ-લેનાર યુગલ-બાળકો (Twins જોડિયાં બાળકો)ની જન્મ.કુંડળીમાં મોટે ભાગે તો બધું સમાન જ હોય છે, માત્ર લગ્ન અને ગ્રહોના અંશાદિમાં થોડો તફાવત હોય છે અને તેને આધારે નવાંશાદિ વર્ગીય કુંડળીઓમાં તફાવત આવે તથા ચંદ્રના અંશના તફાવતને કારણે મહાદશા-અંતર્દશામાં થોડા દિવસોનો તફાવત આવે, પરંતુ ફળાદેશના આધારરૂપ જન્મકુંડળી અને તેમાં સ્થિત રાશિ ગ્રહાદિના સ્થાનમાં ફેર હોતો નથી.
જો કે એ બે જાતકોના જન્મ વચ્ચેના જ સમયમાં લગ્ન બદલાઈ જતું હોય તો તદ્દન જુદી જ કુંડળી જોવા મળે. પરંતુ એમ ન થતું હોય ત્યારે પણ એ બન્ને જાતકોના જીવનમાં, જીવનની ઘટનાઓમાં ઘણી અસમાનતા જોવા મળે છે.
મારી જાણમાં જે આવા જાતકો છે તેમાં તો જોડિયા બે પુત્રોમાંથી એકનું જન્મ પછી થોડા સમયમાં મૃત્યુ થયું હોય અને બીજાનું પૂર્ણ જીવન હોય એવાં ઉદાહરણો પણ છે. તો યુગ્મ બાળકોના ફળકથનનું અર્થઘટન કેમ કરવું એ એક ફૂટપ્રશ્ન બની રહે છે.
ઉપરના ત્રણેય પ્રશ્નો જ્યોતિશાસ્ત્ર સામે પડકારરૂપ બની રહે છે અને આ શાસ્ત્ર પ્રત્યે નાસ્તિક વલણ અપનાવનારાઓ માટે પોતાનો, મત સિદ્ધ કરવાનું મોકળું મેદાન આપે છે.
જ્યોતિષશાસ્ત્ર જેમ ખૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એક વિજ્ઞાન છે તેમ ફલાદેશના સંદર્ભમાં પારંપરિક શાસ્ત્ર છે, દર્શન છે.
જે માત્ર વિજ્ઞાન હોય તો તેમાં તો હા કે ના સિવાય ત્રીજો વિકલ્પ નથી હોતો, પરંતુ શાસ્ત્રનો અને દર્શનનો સંબંધ રહસ્યવાદ સાથે પણ છે.
મર્યાદા તો અલબત્ત છે જ, વિજ્ઞાન સમક્ષ પણ હજુ પણ અણઉકલ્યા સવાલો છે જ, જેમ કે, વિજ્ઞાન હજુ સુધી એ નથી શોધી શક્યું કે, પદાર્થ (Object) નું મૂળ શું છે અને તેનું મૂળભૂત દ્રવ્ય ક્યું છે ? જો હોય તો તે ક્યાંથી આવ્યું કે તે ફરી ક્યા દ્રવ્યમાંથી નિર્મિત થયું. અથવા માનવશરીર કે પ્રાણીનું શરીર જે ખોરાક પાણીમાંથી લોહી બનાવે છે, તે પ્રક્રિયાને પ્રયોગશાળામાં? સિદ્ધ કરી શકાઈ નથી. યંત્રમાનવ ભલે બન્યો પણ તે લોહી – માંસ વિનાનો જ છે.
ન્યુરોલોજીમાં તો જ્ઞાન કરતાં અજ્ઞાનનું ફલક અનેક ગણું વિસ્તૃત છે. વૃક્ષ, પક્ષી કે પ્રાણીના રજ-બીજમાંથી પૂર્ણવૃક્ષ, પૂર્ણ પક્ષી કે પૂર્ણ પ્રાણી આકાર લે છે તે પ્રક્રિયાને સમજાવી શકાય છે, પણ તેને કુત્રિમ રીતે સિદ્ધ કરી શકાતી નથી.
વિજ્ઞાનના ક્ષેત્રે પણ જો આવી બધી મર્યાદાઓ હોય તો દર્શનના ક્ષેત્રમાં રહસ્યોનો પાર પામી ન શકાય તે સહજ છે, પણ જેનો પાર પામી ન શકાય તે ખોટું છે એમ કહેવામાં નથી શાણપણ, નથી શાસ્ત્રીય પ્રજ્ઞા કે નથી વૈજ્ઞાનિક અભિગમ.
જ્યોતિષ પણ આવું જ એક રહસ્યવાદી દર્શન છે. તેથી તેનાં ઊંડાણોને પામવા માટે ધીરજ, ખંત, શ્રદ્ધા અને આસ્તિક (Positive) વલણ જરૂરી છે, ખુલ્લું મન અપેક્ષિત છે.
આટલી ભૂમિકા સાથે આ લેખના પ્રારંભે રજૂ કરેલા ત્રણ કૂટ પ્રશ્નોનું સમાધાન શોધવાનો સંન્નિષ્ઠ, શાસ્ત્રસંમત, તર્કસંમત અને અનુભવ મંડિત પ્રયત્ન અહીં કર્યો છે.
વિવિધ પ્રકારના, વિવિધ ઉંમરના અને તેથી જ વિવિધ ગ્રહસ્થિતિ ધરાવતા લોકો કોઈ ધરતીકંપ કે વિમાની? અકસ્માત દ્વારા સમાન મૃત્યુના ફળને પામે છે તેની પાછળનું રહસ્ય એવું છે કે, જ્યારે કોઈ મોટી વસ્તુ કાર્યાન્વિત થાય ત્યારે તેની અંતગર્ત આવેલી નાની વસ્તુની પોતાની ગતિવિધિ સ્થગિત થઈ જાય છે. જેમ કે આપણા શરીરમાં અસંખ્ય જીવકોષ ( Cells) છે, જે જન્મે છે, જીવે છે અને નષ્ટ થયા કરે છે. તે દરેક જીવકોષની જન્મકુંડળી હોઈ શકે, જીવકોષના જન્મની ક્ષણ પ્રમાણે તેના ગ્રહો હોય અને તે પ્રમાણે તેનું અલ્પ કે દીર્ઘ જીવન હોય, પણ જે ક્ષણે આ બધા જીવકોષોને ધારણ કરતું માનવ શરીર મૃત્યુ પમે તે ક્ષણે તે અસંખ્ય જીવકોષો એક સાથે મૃત્યુ પામશે.
મનુષ્યના દેહની જન્મકુંડળી પાસે તે અસંખ્ય દેહાશ્રિત જીવકોષોની કુંડળીઓ અસહાય બની રહેશે. તેમ કોઈ પ્રદેશની કુંડળીઓમાં કામ કરે અને તદનુસાર તે પ્રદેશકમાં ધરતીકંપ થાય એટલે તે પ્રદેશ પર જીવતાં મનુષ્યો-પશુઓ, પક્ષીઓની કુંડળીઓ કામ કરતી સ્થગિત થઈ જાય.
ક્રમિક રીતે જોઈએ તો જીવકોષ ઉપર શરીર, ગામ, પ્રદેશ, દેશ, પૃથ્વી, સૂર્ય, સૂર્યમાળા, બ્રહ્માંડ એમ એક એકથી ચડિયાતી અવસ્થાની કુંડળીઓનું આધિપત્ય રહે.
સમાન સમયે સમાન જગ્યાએ જન્મેલા બે જાતકોની જન્મકુંડળી સરખી હોવા છતાં તેમના જીવનમાં જે તફાવત હોય છે, તેનું જો નિરીક્ષણ કરવામાં આવે તો સ્પષ્ટ જ થાય છે કે એકંદર સારું કે એકંદર નબળું ફળ બંનેને સમાન રીતે જ લાગુ પડે છે.
પરંતુ બંને જાતકોની આગવી ભૂમિકા પ્રમાણે ફળાદેશમાં તફાવત જોવા મળે છે.
જેમ કે, એક જ સ્થળ-સમયે જન્મેલા બે જાતકોમાં એક મધ્યમ વર્ગના નોકરિયાતનો પુત્ર છે, બીજો શ્રીમંત ઉદ્યોગપતિનો પુત્ર છે.
મોટા થઈને યોગાનુયોગ મધ્યમવર્ગનો જાતક નોકરી કરે અને શ્રીમંત ઉદ્યોગપતિનો પુત્ર પિતાનો ઉદ્યોગ-ધંધો સંભાળે.
પણ બન્નેને જ્યારે અનુકૂળ ગ્રહયોગ આવે ત્યારે નોકરિયાતને પ્રમોશન મળે અને ઉદ્યોગપતિને ધંધામાં મોટો લાભ થાય.
મૂળભૂત જીવનભૂમિકામાં જે તફાવત છે, તેની પાછળ પૂર્વજન્મનાં કર્મ, અમુક જ માતા- પિતા સાથેનો ઋણાનુંબંધ વગેરે બાબતો જે જવાબદાર હોય છે.
એક જ સમયે-સ્થળે જન્મેલા બે જાતકોમાં એક પુત્ર (Male) હોય અને બીજી કન્યા (Female) હોય એવું તો બને જ છે.
જન્મ વખતના ગ્રહયોગને જ માત્ર કારણભૂત માનીએ તો એક સમયે બધા જ પુત્રો (Male) અને કોઈ એક સમયે બધી જ કન્યાઓ (Female)જન્મવી જોઈએ. પણ આમ બનતું નથી એનો અર્થ જ કે ગ્રહ ઉપરાંત પણ અન્ય પરિબળો છે જે જીવનમાં ભાગ ભજવે છે.
વળી, એક સમયે-સ્થળે જન્મેલાં બે બાળકો-એક પુત્ર એક કન્યા હોય તો સ્વાભાવિક રીતે જ પુત્રની જીવનપદ્ધતિ પુરુષલક્ષી અને કન્યાની જીવનપદ્ધતિ સ્ત્રીલક્ષી જ હશે.
આ જે વૈવિધ્યનું કારણ છે તેને શાસ્રો કર્મનો સિદ્ધાંત કહે છે અને કર્મની ગતિ એટલી ગૂઢ અને ગહન છે કે, ગીતાના ગાયક અને સર્વશાસ્ત્રના નાયક ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં
‘ગહના કર્મણોગતિઃ ‘ (ગીતા ૪/૧૭) ‘કર્મની ગતિ ગહન છે.‘ એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે.
હવે એક જ માતાના ઉદરમાંથી જન્મેલા જોડિયાં બાળકોનું ભાવિ ગ્રહોને આધારે કઈ રીતે જાણવું તે જોઈએ.
જ્ઞાનની અગાધ ગંગાને ઉલેચી ન શકાય, પણ તેના જલનું આચમન જરુર કરી શકાય. સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત અંધકારને ભલે દૂર ન કરી શકીએ, પણ આપણા ઘરને તો દીપક પેટાવીને પ્રોજ્જવલ કરી જ શકીએ.
ડો. બી. જી. ચંદારાણા