મનુષ્ય માત્ર સવારથી સાંજ સુધી સતત પ્રવૃતિમય રહે છે. અત્યારના ઝડપી સમયમાં અને પ્રવૃત્તિમય જીવનમાં તેની પાસે ઈશ્વરને યાદ કરવાનો પણ સમય રહેતો નથી. સવારે સ્ફૂર્તિથી પોતાના કર્મ પાછળ લાગેલો માણસ સાવ થાકી જાય છે અને કરમાયેલા વનસ્પતિના છોડ જેવો બની જાય છે. અનાયાસે જ સંધ્યા સમયે દેવમંદિરે થતી આરતીનો મધુર ટંકાર તેના કાનમાં સંભાળય છે અને તેનું થાકી ગયેલું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે, તેનું મન પ્રભુમય બની જાય છે. જેના ઘંટારવ માત્રથી માનવ મન ઉપર આવી હકારાત્મક અસર થતી હોય તો તે આરતીને પ્રત્યક્ષ નિહાળતા કે તેનાથી પણ વિશેષ, આરતીને પોતાના હાથમાં લઈ ભગવાન સમક્ષ ઉતારવામાં આવે તો માનવચિત્ત ઉપર તેની કેવી ઘેરી અસર થાય?
આરતી ભગવાનના મુખ સહિત તેના સંપૂર્ણ રૂપના દર્શન કરવા માટે ઉતારવામાં આવે છે. તેમાં ઘી અને કપૂર જેવા પવિત્ર પદાર્થો પણ હોય છે. તેમાં પ્રજવલ્લિત જયોત ભગવાનની મૂર્તિને તો પ્રકાશમય બનાવેજ છે. સાથે-સાથે માનવ મનમાં પણ ભક્તિમય જ્યોતિ પ્રગટાવે છે. આરતી સમયનો સુમધુર ઘંટારવ, ખુશ્બોદાર અગરબત્તીઓની ધૂમ્ર વગેરેથી ઉભૂ થતું વાતાવરણ માનવ મનને સંસારની ગમે તેવી ઝંઝાળોથી દૂર કરી પ્રસન્નતા લાવી દયે છે. આરતી ક્ષણ બે ક્ષણ વાર પૂરતી જ નથી થતી. આરતીમાં સારો એવો સમય પસાર થાય છે. આરતીના શરૂઆતના ઘંટારવથી પ્રસન્નતા અનુભવતું માણસનું ચિત્ર ભક્તિમય બની ધીમે ધીમે હ્યદયતરફ ગતિ કરે છે, અને ત્યાં આવીને અટકે છે તેમાં ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ પ્રગટે છે. તેનામાં સમગ્ર દિનચર્યા દરમ્યાન પોતે કયાં સારા કર્મો કર્યા અને કયાં ખોટા કર્મો કર્યા તેનો સ્પષ્ટ ભેદ નજર સમક્ષ દેખાય છે. પોતે આ ખોટું કર્યું છે. તેનો વરસવસો ઉભો થાય છે અને અને સાથે પ્રાયશ્ચિતની મહાજયોત તેના અંતરમાં જાગે છે. ભગવાનની આરતી તો સમાપ્ત થઈ જાય છે. પરંતુ તેને કારણે માનવ હ્યદયમાં ઉઠેલી પ્રશ્ચાતાપની મહા આરતી ઝડપથી શમતી નથી. છુટેલા તીર કયાંરેય પાછા વળતા નથી. પરંતુ માણસે ખોટા કરેલા કર્મોમાં સુધારો અવશ્ય થઈ શકે છે, અને ભગવાનની આરતીમાંથી માનવ હ્યદયમાં ઉઠેલી પ્રાયશ્ચિતની જ્યોત તેને બીજા દિવસે ખોટા કર્મો કરતા જરૂર અટકાવે છે.
આરતી ભક્તને ભગવાનની માત્ર ભૌતિક રીતે જ નહિ પણ આધ્યાત્મિક રીતે પણ બહું નજીક લાવી દે છે. આરતી ઉતારતા સમયે માણસનું મન ભગવાનમાં સ્થિર થઈ જાય છે. આરતીમાં રહેલી પ્રકાશમય જયોત ભગવાનના દરેક અંગો ઉપર ફરી પ્રકાશ ફેલાવી વ્યક્તિને તેના સાચા દર્શન કરાવે છે, જે તેના માનસપટ ઉપર લાંબા સમય સુધી ચિરસ્થાઈ રહે છે.
કાર્ય પ્રવૃત રહેલો માણસ સ્નાન કર્યા પછી શારીરિક રીતે થાકથી મુક્તિ મેળવે છે. તેજ રીતે માનસિક રીતે થાકી ગયેલો માણસ આરતી સાંભળયા પછી પ્રસન્નતા અનુભવે છે. ખરા દીલથી કરવામાં આવેલી આરતી માણસને ભૌતિકતા માંથી આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે.