બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે.
જાતકર્મ સંસ્કાર
અર્થઃ
જાત(સંતાન)નો જન્મ થાય ત્યારે તેના સુરક્ષા અને કલ્યાણ માટે જે સંસ્કાર કરવામાં આવે છે, તેને ‘જાતકર્મ સંસ્કાર’ કહે છે.
સ્ત્રોતઃ
ઋગ્વેદમાં जन्मन શબ્દનો પ્રયોગ બે સ્થળે જોવા મળે છે, પરંતુ ત્યાં એ શબ્દ પુત્ર વગેરે સંબંધીઓના અર્થમાં છે. અથર્વવેદના એક સૂકતમાં સરળ અને સુરક્ષીત પ્રસવ માટે પ્રાર્થનાઓ કરાઇ છે. તૈતરીય સંહિતામાં આવતા ઉલ્લેખ અનુસાર પુત્ર ઉત્પન્ન થાય તે પ્રસંગે શેકેલી રોટલીનો બલિ વૈશ્ર્વાનરને આપવાનું જણાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર પુત્ર-જન્મ વખતે તેને સહુ પ્રથમ માખણ ચટાડવું જોઇએ, બાળકને ખોળામાં લઇ દહીં, ઘી અને મધ ભેગાં કરી મંત્ર સાથે સોનાના ચમચાથી મોંમાં મૂકવા જોઇએ. ગૃહ્યસૂત્રોમાં આ સંસ્કારનું વિશદ વર્ણન કરેલું છે, પરંતુ એનાં વિધિ-વિધાન તથા પ્રસવ કરનાર માતા પાસે ઇચ્છિત વ્યકિતઓની હાજરી વગેરેનું વર્ણન છે.
વિધિઃ
પ્રસવ માટેની પૂર્વ તૈયારીઓ બાળકના જન્મના એક માસ પહેલાં જ થાય છે. શુભ દિવસ અને અનુકૂળ રાશિમાં સૂતિકા-ભવનની પસંદગી થતી. વાદ્યોના ધ્વનિ અને શુભ મંત્રોના પઠન સાથે દેવતા, બ્રાહ્મણો અને ગાયોની પૂજા કરી ભાવિ માતા પ્રસવના એક બે દિવસ અગાઉ સૂતિકાગૃહમાં પ્રવેશતી. બીજી સ્ત્રીઓ પણ એની સાથે તેને પ્રસન્ન રાખતી અને લેપ, ભોજન વગેરે નિયમપૂર્વક કરાવતી, પ્રસવ માટે ભાવિ માતાને તૈયાર કરાતી. પ્રસવના સમયે દુષ્ટ તત્વોથી ઘરનું રક્ષણ કરવા હોમ વગેરે વિધિ-વિધાન કરવામાં આવતાં. ભૂત-પ્રેતોના નિવારણ માટે ઘરમાં અગ્નિ, જલ, યષ્ટિ, દીપક, શસ્ત્ર, દંડ અને સરસવનાં બીજ રાખવામાં આવતાં. બાળકના જન્મ બાદ સૂતિકાગૃહમાં અગ્નિ સળગાવવામાં આવતો. ભૂત-પ્રેતોને દૂર રાખવા મંત્રો સાથે ધાન્યના કણોની આહુતિ અપાતી. વૈખાનસ ગૃહ્યસૂત્ર અનુસાર પરશુ, સોનું અને પથ્થર રાખવાની વ્યવસ્થા હતી, જે શકિતનું પ્રતીક મનાતી. આ ઉપરાંત જલપાત્ર પણ બાળકના મસ્તકની પાસે રાખવાનો નિર્દેશ છે.
http://www.jeevanshailee.com માથી