જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે.
(૧) દીપ્ત (૨) મુદિત (૩) સ્વસ્થ (૪) શાન્ત (૫) શક્ત (૬) પ્રપીડિત (૭) દીન (૮) ખલ (૯) ભીત (૧૦) વિકલ ગ્રહોની આ દશ અવસ્થાઓના સંદર્ભે સ્વતંત્ર રીતે બહુ જ ઓછું સંશોધન થયેલું છે. અહીં આ અવસ્થાઓનો પ્રારંભિક પરિચય આપવામાં આવ્યો છે.
(૧) દીપ્ત :
જે ગ્રહ પોતાની ઉચ્ચરાશિમાં ત્રિકોણ સ્થાનમાં હોય તેને દીપ્ત કહે છે. કુંડળીમાં પાંચમું સ્થાન અને નવમું સ્થાન ત્રિકોણ સ્થાન કહેવાય છે. આ બન્ને શુભસ્થાનો છે. તેમાં રહેલ ગ્રહ બળવાન બને છે. તેમાં ય જો ગ્રહ ત્યાં ઉચ્ચનો થઈને પડ્યો હોય તો તે ગ્રહનું બળ ખૂબ જ વધી જાય છે.
(૨) મુદિત :
જે ગ્રહ પોતાના મિત્ર ગ્રહની રાશિમાં બેઠો હોય તેને મુદિત અવસ્થાનો ગ્રહ કહેવામાં આવે છે. મુદિત અવસ્થાનો ગ્રહ પોતાનું સારું ફળ તો આપે જ છે, ઉપરાંત જેની રાશિમાં બેઠો હોય તે ગ્રહને લગતું શુભ ફળ પણ આપે છે, જેમ કે – સૂર્ય અને ચંદ્ર પરસ્પર મિત્ર ગ્રહો છે. હવે ચંદ્ર જો સૂર્યની રાશિ સિંહમાં બેઠો હોય તો ચંદ્ર મુદિત કહેવાય. તે પોતાનું તથા સૂર્યનું એમ બન્નેનું શુભ ફળ જે ભાવમાં બેઠો હોય તે ભાવના સંદર્ભે આપે છે.
(૩) સ્વસ્થ :
પોતાની રાશિમાં બેઠેલો ગ્રહ સ્વસ્થ કહેવાય છે. સ્વસ્થ અવસ્થાનો બળવાન ગ્રહ જે સ્થાનમાં બેઠો હોય તે સ્થાનના બળને વધારી, તે સ્થાનનું મહત્તમ શુભ ફળ આપે છે.
(૪) શાન્ત :
કોઈ પણ શુભ ગ્રહના ઘરમાં બેઠેલો ગ્રહ શાન્ત અવસ્થાનો ગ્રહ ગણાય છે. સામાન્ય રીતે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર શુભ ગ્રહો ગણાય છે. આ ચાર ગ્રહોની રાશિ અનુક્રમે કર્ક, મિથુન – કન્યા, ધન – મીન, તથા વૃષભ – તુલા છે. આ રાશિમાં બેઠેલ ગ્રહ શાંત ગણાય છે, આ રાશિમાં બેઠેલ ગ્રહ પોતાનું વિપરિત ફળ આપતો નથી.
(૫) શક્ત :
મધ્યાંશનો ગ્રહ શક્ત ગણાય છે. સામાન્ય રીતે ગ્રહ ૧ થી ૩૦ અંશમાં હોય. તેમાંથી જો ગ્રહ ૧૫ અંશનો કે તેની નજીકનો હોય તો તે ગ્રહનું બળ વધી જાય છે. શક્ત અવસ્થાનો ગ્રહ બળવાન જરૂર બને છે, પણ તે હંમેશા શુભ ફળ જ આપે તેવું નથી. ફળનો આધાર તે ગ્રહ ક્યો છે અને ક્યાં પડ્યો છે તેના ઉપર છે. જો ગ્રહની સ્થિતિ શુભ હોય તો શક્ત અવસ્થામાં તેનું શુભત્વ વધી જાય, પણ જો અશુભ હોય તો તેનું અશુભ ફળ પણ વધી જાય.
(૬) પ્રપીડિત :
જે ગ્રહ અન્ય ગ્રહોથી પીડિત હોય તેને પ્રપીડિત અવસ્થાનો ગ્રહ કહેવામાં આવે છે. આ અવસ્થા ઘણી રીતે થાય છે, જેમ કે ગ્રહ શત્રુની રાશિમાં બેઠો હોય, શત્રુ ગ્રહની યુતિમાં હોય, શત્રુ ગ્રહથી જોવાતો હોય, આજુ બાજુના બન્ને ભાવમાં શત્રુગ્રહો કે પાપ ગ્રહો હોય ત્યારે તે મૂળ ગ્રહ પ્રપીડિત બને છે, આવો ગ્રહ જો શુભ હોય તો તેનું શુભત્વ ઘટે છે પણ જો તે મૂળમાં અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટવાને બદલે વધે છે.
(૭) દીન :
જન્મકુંડળીમાં અને નવાંશમાં જે ગ્રહ શત્રુની રાશિમાં પડ્યો હોય તેને દીન અવસ્થાનો ગ્રહ કહે છે. અહીં પણ એ વાત નોંધનીય છે કે દીન અવસ્થામાં રહેલો ગ્રહ જો શુભ હોય તો તેને શુભત્વ ઘટે છે, પરંતુ જો તે અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટતું નથી પણ ઉલટાનું વધે છે.
(૮) ખલ :
જે ગ્રહની આજુબાજુના બન્ને ભાવમાં પાપગ્રહ હોય અને તેની પોતાની યુતિમાં શત્રુ ગ્રહ હોય કે તે શત્રુગ્રહથી જોવાતો હોય તો તે ગ્રહ અવસ્થાનો બને છે. ખલ અવસ્થામાં રહેલો ગ્રહ પોતે શુભ હોય તો તેનું શુભત્વ નાશ પામે છે, પણ જો તે પોતે અશુભ હોય તો તેનું અશુભત્વ વધી જાય છે અને નામ પ્રમાણે તે ખલનાયકનું કામ કરે છે.
(૯) ભીત :
પોતાની નીચ રાશિમાં રહેલો ગ્રહ ભીત કહેવાય છે તેમાંયે આવો ગ્રહ કુંડળીનાં છઠા, આઠમા, બારમા ભાવમાં હોય ત્યારે જ ખાસ તો તેને ભીત અવસ્થા કહેવામાં આવે છે. અહીં પણ ભીત અવસ્થાનો ગ્રહ જો શુભ હોય તો તેનું શુભત્વ નાશ પામે છે, પણ જો તે અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટતું નથી, બલકે વધે છે.
(૧૦) વિકલ :
જે ગ્રહ અસ્તનો હોય તેને વિકલ કહેવામાં આવે છે. વિકલ અવસ્થા ત્રણ રીતે થાય છે. (અ) જે ગ્રહ સૂર્યની સાથે સૂર્યથી પાંચ અંશના અંતરની અંદર પડ્યો હોય (બ) જે ગ્રહ પોતાની સ્વરાશિથી વિરુદ્ધની રાશિમાં હોય, જેમકે શુક્ર વૃશ્ચિકમાં હોય કે મેષમાં હોય (ક) જે ગ્રહ અતિ અલ્પ અંશનો કે અતિ વૃદ્ધ અંશનો હોય, જેમ કે કોઈ ગ્રહ ૧થી ૩ અંશનો હોય કે પછી ૨૭ થી ૩૦ અંશનો હોય. આમ આ ત્રણ અવસ્થાઓમાં ગ્રહ વિકલ એટલે કે પાંગળો બની રહે છે. અને તેની બન્ને પ્રકારની શક્તિઓ મંદ પડે છે. અર્થાત તે ગ્રહ મૂળમાં શુભ હોય તો તેનું શુભત્વ પણ ઘટે છે અને મૂળમાં અશુભ હોય તો તેનું અશુભત્વ પણ ઘટે છે. જાતકના જીવનમાં તે ગ્રહ બહુ ભાગ જ ભજવતો નથી.
અહીં આપવામાં આવેલ આ દશ અવસ્થાઓનાં મૂળભૂત સિધ્ધાંતો જ્યોતિષશાસ્ત્રમાં જાણીતા જ છે, જેમકે ગ્રહ ઉચ્ચનો છે, નીચનો છે કે સ્વગૃ્હી છે તે વિગતો દરેક જ્યોતિષી જાણતા હોય છે, પરંતુ એ સિધ્ધાંતોને આધારે પૂર્વાચાર્યોએ જે દશ અવસ્થા બતાવી છે તથા એ અવસ્થાઓ માટે જે કેટલીક આનુસંગિક શરતો જોડી છે તેને કારણે ગ્રહોની અવસ્થાનું જ્ઞાન કોઈપણ જ્યોતિષી માટે મહત્વનું બની રહે છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની અવસ્થાને એક સ્વતંત્ર વિષય તરીકે સ્થાન આપવામાં આવેલ છે.