ગરમીનાં દર્દોની અકસીર ઔષધિ – ગળો
એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી. એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે. ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ. બજારમાં ગળોની ગોળી ‘સંશમની વટી’ નામે મળે છે. સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે. એની એક એક ગોળી સવાર, બપોર અને સાંજે લેવી જોઈએ. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ. ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.