કુંડળીનું બળાબળ નક્કી કરવા માટે અસંખ્ય બાબતો જ્યોતિષ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. ગમે તેટલો અનુભવી જ્યોતિષી પણ એક સાથે બધી જ બાબતો પ્રત્યે ધ્યાન ન આપી શકે તે સ્વાભાવિક છે. દરેક કુંડળીમાં નવ ગ્રહો પૈકી એક ગ્રહ નિયામક ગ્રહ (Controlling planet) હોય છે. જો એ નિયામક ગ્રહ નક્કી થઈ શકે તો ફળાદેશ આપવાનું કાર્યુ ઘણું સરળ બની જાય. એ નિયામક ગ્રહની મહાદશામાં અથવા આંતર્દશામાં તે વ્યક્તિને તે ગ્રહના સ્વભાવ અનુસાર સારામાં સારું ફળ મળતું હોય છે. એ જ રીતે તે નિયામક ગ્રહ જ્યારે ગોચરમાં બળવાન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે પણ તે વ્યક્તિનો સમય સારો થાય છે. આ નિયામક ગ્રહ શોધી કાઢવા માટે ગુણ પધ્ધતિ (Marking system) આપું છું. આ માટે નીચેની દસ બાબતો પરત્વે ચકાસણી કરવી જોઈએ 😕
(૧) ગ્રહ પોતે શુભ છે, ક્રૂર છે કે મધ્યમ પ્રકૃતિનો છે ?
(૨) ગ્રહ ક્યા સ્થાનમાં છે ?
(૩) ગ્રહ ક્યા સ્થાનનો સ્વામી છે ?
(૪) ગ્રહ શુભ ર્દષ્ટ છે કે અર્દષ્ટ છે ?
(૫) ગ્રહ બીજા શુભ ગ્રહની યુતિમાં છે, અશુભ ગ્રહની યુતિમાં છે, મધ્યમ પ્રકૃતિના ગ્રહની યુતિમાં છે કે અયુત છે ?
(૬) ગ્રહ મિત્રક્ષેત્રી છે, શત્રુક્ષેત્રી છે કે સમક્ષેત્રી છે ?
(૭) પોતાના કારક સ્થાનમાં છે, શત્રુગ્રહના કારક સ્થાનમાં છે, મિત્ર ગ્રહના કારક સ્થાનમાં છે કે સમગ્રહના કારક સ્થાનમાં છે ?
(૮) ગ્રહ ઉચ્ચનો છે, નીચનો છે કે બન્નેથી રહિત છે ?
(૯) ગ્રહ સ્વગ્રહી છે, અસ્તનો છે કે બન્નેથી રહિત છે ?
(૧૦) બાલ્યાવસ્થાનો છે, યુવાવસ્થાનો છે કે વૃદ્ધાવસ્થાનો છે ?
સૂર્યાદિ દરેક ગ્રહને ઉપરોકત નવેય બાબતોના સંદર્ભમાં ચકાસી ગુણ આપવા. દરેક બાબતના કુલ ચાર ગુણ રાખી શકાય.
(૧) શુભ ગ્રહને ચાર ગુણ આપવા, ક્રૂર (અશુભ) ગ્રહને શૂન્ય ગુણ આપવા. મધ્યમ પ્રકૃતિના ગ્રહને બે ગુણ આપવા.
(૨) ગ્રહ જો કેન્દ્ર-ત્રિકોણમાં હોય તો ચાર ગુણ, ૬, ૮,૧૨માં સ્થાનમાં હોય તો શૂન્ય ગુણ બાકીના કોઈ સ્થાનમાં હોય તો બે ગુણ આપવા.
(૩) કેન્દ્ર-ત્રિકોણ સ્થાનનો સ્વામી હોય તો ચાર ગુણ, ૬,૮,૧૨ સ્થાન પૈકી કોઈનો સ્વામી હોય તો શૂન્ય ગુણ, બાકીના સ્થાન પૈકી કોઈનો સ્વામી હોય તો બે ગુણ આપવા.
(૪) ગ્રહ શુભ ર્દષ્ટ હોય તો ચાર ગુણ, અશુભ ર્દષ્ટ હોય તો શૂન્ય ગુણ અને અર્દષ્ટ હોય તો બે ગુણ આપવા.
(૫) શુભ ગ્રહની યુતિમાં હોય તો ચાર ગુણ, અશુભ ગ્રહની યુતિમાં હોય તો શૂન્ય ગુણ, મધ્યમ પ્રકૃતિના ગ્રહની યુતિમાં હોય તો બે ગુણ આપવા, અયુત (એકલો) હોય તો એક ગુણ આપવો.
(૬) ગ્રમ મિત્ર ક્ષેત્રી હોય તો ચાર ગુણ, શત્રુક્ષેત્રી હોય તો શૂન્ય ગુણ, સમક્ષેત્રી હોય તો બે ગુણ આપવા.
(૭) પોતાના કારક સ્થાનમાં હોય તો ચાર ગુણ, મિત્ર ગ્રહના કારક સ્થાનમાં હોય તો ત્રણ ગુણ, સમગ્રહના કારક સ્થાનમાં હોય તો બે ગુણ અને શત્રુગ્રહના કારક સ્થાનમાં હોય તો શૂન્ય ગુણ આપવો.
*( “કારકાઃ ભાવનાશકાઃ” કારક સ્થાનમાં હોય તો તે ભાવના ફળનો નાશ કરે છે – આવો એક મત છે, પણ તે વિવાદાસ્પદ છે.)
(૮) ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો ચાર ગુણ, નીચ રાશિમાં હોય તો શૂન્ય ગુણ અને બન્ને સ્થિતિથી રહિત હોય તો બે ગુણ આપવા.
(૯) સ્વગ્રહી રાશિમાં હોય તો ચાર ગુણ, તેનાથી સામેની રાશિમાં હોય તો શૂન્ય ગુણ, બાકીની સ્થિતિમાં હોય તો બે ગુણ આપવા.
(૧૦) ગ્રહના અંશો જોવા. જો યુવાવસ્થાનો હોય તો ચાર ગુણ અને બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાનો હોય તો અંશ પ્રમાણે બે, એક કે શૂન્ય ગુણ આપવા.
આ રીત સૂર્યાદિ દરેક ગ્રહને જે ગુણ પ્રાપ્ત થાય તેનો સરવાળો કરતાં જે ગ્રહને સૌથી વધુ ગુણ મળે તે ગ્રહને તે કુંડળીનો નિયામક ગ્રહ માનવો. ત્યાર બાદ ઊતરતા ક્રમમાં ફળાદેશ કહી શકાય. સૌથી ઓછા ગુણ પ્રાપ્ત કરનાર ગ્રહ તે કુંડળીનો નિર્બળ ગ્રહ ગણાય, જે તેની મહાદશા અંતર્દશા તથા ગોચરમાં જ્યાં હોય તે ભાવ પરત્વે નબળું ફળ આપે. ડો. બી. જી. ચંદારાણા